ગુજરાતના વધુ સાત જિલ્લાઓમાં કડિયાનાકા પર શ્રમિકો માટે ભોજન કેન્દ્રો શરૂ કરશે
ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. 20 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે
ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. 20 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપિયા 5 ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડે જણાવ્યું હતું.
બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે
જેમાં 20 જાન્યુઆરીના રોજ અભિલાષા કડિયાનાકા, વડોદરા, તા. 27 જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા, સુરત, તા. 28 જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા, રાજકોટ, તા. 29 જાન્યુઆરીના રોજ જીઆઇડીસી -વાપી, વલસાડ તેમજ ડાયમંડ ચોક કડિયાનાકા,નવસારી તથા તા. 30 જાન્યુઆરી 2023ના રોજ મહેસાણાના સિદ્ધપુર અને પાટણ જિલ્લામાં ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
રાજ્યના કુલ 51 કડિયાનાકા–વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બની
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને 29 ડિસેમ્બરથી રાજ્યમાં વધુ નવા 28 જેટલા કડિયાનાકા પર સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના પગલે રાજ્યના કુલ 51 કડિયાનાકા–વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બની છે.
રૂપિયા 5 ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે
ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂપિયા 5 ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે.
આ પણ વાંચો : Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું