Gandhinagr: ખેડૂતો માટે સારા સમાચાર, કચ્છને નર્મદાનું 1 મિલિયન એકર ફિટ પાણી આપવાની કામગીરી વર્ષ 2025માં થશે પૂર્ણ
Gandhinagr: રાજ્યના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થઈ છે. જેનાથી 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
Gandhinagr: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધારી રહ્યા છે.
કચ્છને આગામી વર્ષ 2025 સુધીમાં 1 મિલીયન એકર ફિટ પાણીનો જથ્થો મળશે
ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના ૩ મિલીયન એકર ફિટ પાણીમાંથી 1 મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, 1 મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને 1 મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો.
ઐતિહાસિક નિર્ણય સંદર્ભે પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપૂરના વહી જતા વધારાના 1 મિલીયન એકર ફિટ પાણીનો જથ્થો કચ્છને આગામી વર્ષ 2025 સુધીમાં મળતો થશે. જેની ફલશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રમાં ‘‘સૌની યોજના” અને ઉત્તર ગુજરાતમાં “સુજલામ સુફલામ યોજના” અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
જળ સંપત્તિ મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-1 ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા-2 ના કામો માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે. જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. એટલુંજ નહીં,પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે અને પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકશે.
કચ્છ જિલ્લામાં આ 1 મીલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે. જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.
સધર્ન લીંકથી 47 ગામના લોકોને લાભ થશે
મંત્રી એ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામા આ નર્મદાના નીર પહોચે એ માટે બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં તબક્કા-૧માં ત્રણ અલગ-અલગ ઉદ્દવહન પાઈપલાઈન લીંકો માટે રૂ.4,369 કરોડની વહીવટી મંજૂરી જાન્યુઆરી-2022માં આપવામાં આવી હતી જે યોજનાના બાંધકામ માટેનો ઈજારો આખરી કરી દેવાયો હતો.
આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે હેઠળ સધર્ન લીંક અને હાઇકન્ટુર સ્ટોરેજ લીંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની 25 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના 47 ગામના 38,824 હેક્ટર વિસ્તારને લાભ મળશે.
આ પણ વાંચો: આનંદો ! નર્મદાનો સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો, 6 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન શરુ કરાયુ, જૂઓ Video
નોર્ધન લીંકથી 22 ગામને લાભ થશે
નોર્ધન લીંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની 12 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૨૨ ગામના 36,392 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સારણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના 8 ગામના 29000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ 6 તાલુકામાં 38 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી 77 ગામના 1,04,216 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો