ભેંસ ભાગોળે અને છાસ છાગોળે, પ્રવિણ મારૂનાં દિલમાં 2022નાં સીએમ પદનું ધમાધમ મચ્યુ !
કોંગ્રેસના પૂર્વ MLA પ્રવીણ મારુએ ગુજરાતમાં નવા સીએમ (Gujarat CM) બનવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, જેની ચર્ચાએ રાજકીય ગલીયારાઓમાં જોર પકડ્યું છે.
Gandhinagar : ગુજરાત માટે વર્ષ 2022એ ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણીને હજુ 6 મહિનાની વાર છે. જોકે ગુજરાતમાં મૌસમની ગરમી સાથે રાજકીય તાપમાનનો પણ પારો ઊંચકાયો છે. એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં તૂટી રહી છે, તો આપ તથા ભાજપમાં ભરતી મેળો અકબંધ છે. જોકે આ તમામની વચ્ચે કોંગ્રેસના પૂર્વ MLA પ્રવીણ મારુએ ગુજરાતમાં નવા સીએમ (Gujarat CM) બનવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, જેની ચર્ચાએ રાજકીય ગલીયારાઓમાં જોર પકડ્યું છે.
પ્રવીણ મારુ 2022માં બનશે ગુજરાતના નવા સીએમ ?
વાત જાણે એમ છે કે પ્રવીણ મારુ (Praveen Maru)કોંગ્રેસમાં (Congress)પાયાના કાર્યકર્તા હતાં. 40 વર્ષ સુધી ગઢડામાં તેમનો દબદબો રહ્યો. ગઢડા વિધાનસભામાં કોંગ્રેસની મોટાભાગે જીતનું એક કારણ પ્રવીણ મારુની સ્થાનિક તથા આસપાસના વિસ્તારોની મજબૂત પકડ પણ હતી. જો કે 2020માં ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી 8 MLA એ રાજીનામુ આપ્યું હતું. જેમાંના એક પ્રવીણ મારુ પણ હતા. ત્યાર બાદ પેટાચૂંટણીમાં ભાજપે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ચૂંટણીના મેદાને ઉતર્યા. સુત્રોનું માનીએ તો ગઢડા બેઠક ભાજપ તરફી જીત માટે પ્રવીણ મારુ દ્વારા પણ કવાયત કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ લાંબા સમય સુધી તેઓ કોઈ પણ પક્ષ સાથે સીધી રીતે જોડાયા ન હતા.
14 એપ્રિલ 2022ને કમલમ ખાતે તેમને સત્તાવાર રીતે ભાજપનો ખેસ પહેરી કેસરિયા કર્યા. મહત્વનું એ પણ છે કે ભાજપમાં જોડાતી વખતે એમને આડકતરી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. પ્રેસ કોંફરન્સમાં એમને જ્યાં એક તરફ ભાજપમાં જોડાવવા માટે કોઈ શરત ના મૂકી હોવાની કહ્યું તો બીજી બાજુ ટીકીટ મળે તો લડવાની તૈયારી પણ બતાવી. જો બોર્ડ નિગમમાં પણ કોઈ પદ મળે તો એની માટે પણ ઈચ્છા વ્યક્ત કરી. જોકે ચર્ચાનો વિષય ત્યારે બન્યો જ્યારે એમણે એવું કહી દીધું કે ‘પાર્ટી સીએમ બનાવે તો પણ મને વાંધો નથી. ‘ પ્રવીણ મારુના આ નિવેદનની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકારણમાં તમામની કોઈને કોઈ મહત્વકાંક્ષા તો હોય જ છે. પરંતુ પ્રવીણ મારુની ઈચ્છા રાજ્યમાં સીએમ બનવાની છે એ આજે એમને કહ્યું હતું. ત્યારે ભાજપમાં પ્રવેશ સાથે આ નિવેદનના કેટલા અને કેવા પડઘા પડશે એ તો આવનાર દિવસોમાં જ ખ્યાલ આવશે. પરંતુ હાલ તો પ્રવીણ મારુની આ ‘મહેચ્છા’ થી ભાજપમાં કહેવાતા સીએમના દાવેદારોમાં વિવાદનો મધપૂડો છંછેડાઇ ગયો છે.
આ પણ વાંચો :
Surat : વિવિધ પ્રોજેક્ટના કારણે બગડી ગયેલા રસ્તાની સ્થિતિ સુધારવા સ્થાયી સમિતિ અધ્યક્ષની ટકોર