Surat : વિવિધ પ્રોજેક્ટના કારણે બગડી ગયેલા રસ્તાની સ્થિતિ સુધારવા સ્થાયી સમિતિ અધ્યક્ષની ટકોર
SURAT શહેરમાં વિવિધ પ્રાથમિક સુવિધા તથા કેપિટલ પ્રોજેક્ટોની કામગીરી માટે ઠેર-ઠેર રોડ પર ખોદાણો થયા છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને કારણે પણ બન્ને રૂટ પર રસ્તાઓ ખોદાયા છે.
Surat : મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ (Metro Project) તથા મનપાની (SMC) વિવિધ કામગીરીઓને કારણે બની ગયેલા શહેરના ઊબડખાબડ રસ્તાઓને ચોમાસા પહેલાં રીપેરિંગ કરવા માટે તમામ ઝોનને તાકીદ કરવામાં આવી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ ઝોનના કાર્યપાલક ઇજનેરોને ટ્રેન્ચ રીપેરિંગ માટેનો રોડમેપ તૈયાર કરવા સૂચના આપી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તૂટેલાં રોડથી શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે સ્થાયી ચેરમેન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં વિવિધ પ્રાથમિક સુવિધા તથા કેપિટલ પ્રોજેક્ટોની કામગીરી માટે ઠેર-ઠેર રોડ પર ખોદાણો થયા છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને કારણે પણ બન્ને રૂટ પર રસ્તાઓ ખોદાયા છે. આગામી ચોમાસાને ધ્યાને રાખી શહેરીજનોને મુશ્કેલી ઊભી ન થાય તે હેતુથી સ્થાયી સમિતિ અધ્યક્ષે અત્યારથી કસરત શરુ કરાવી દીધી છે અને તમામ ઝોન પાસે તેમના ઝોન વિસ્તારમાં વિવિધ કામગીરીને પગલે કેટલાં મીટર રોડ ટ્રેન્ચ રીપેરિંગની જરૂર પડશે? તેની વિગતો એકત્ર કરી હતી.
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ચાર કિલોમીટર જેટલાં રસ્તા પર ટ્રેન્ચ રીપેરિંગની કામગીરી કરવી પડશે. આખા શહેરમાં અંદાજે 10 હજાર મીટર જેટલાં રસ્તાઓ પર ચોમાસા પૂર્વે ટ્રેન્ચ રીપેરિંગની કામગીરી કરવાની સૂચના તમામ ઝોનોને આપી છે. ખાસ કરીને મેટ્રો ટ્રેન રૂટમાં તથા સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ પાણી નેટવર્કના અપગ્રેડેશનને કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી આ વિસ્તારોમાં ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરી તાત્કાલિક અસરથી ટ્રેન્ટ રીપેરિંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે.
વરસાદ દરમિયાન નગરજનોને તૂટેલા રોડને કારણે મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ ઝોનોને આગોતરી તાકીદ કરી દેવામાં આવી છે. આમ, ચોમાસામાં દર વર્ષે ઉભી થતી ખાડા ટેકરા ની સમસ્યા આ વર્ષે ન સર્જાય તેવું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Animal Husbandry: ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓની આ રીતે રાખો કાળજી