ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કરી કમાલ, કમોસમી વરસાદ વચ્ચે પણ ઉનાળુ વાવેતરને 118 ટકાએ પહોંચાડ્યું
Agriculture News : એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જો કે આ વચ્ચે પણ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કમાલ કરી બતાવી છે. ગાંધનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાં વચ્ચે પણ ઉનાળુ વાવેતરને 118 ટકા પર પહોંચાડ્યુ છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ખેડૂતોએ માવઠાનો માર સહન કરવો પડ્યો હતો. એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જો કે આ વચ્ચે પણ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કમાલ કરી બતાવી છે. ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાં વચ્ચે પણ ઉનાળુ વાવેતરને 118 ટકા પર પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો-Gujarat Video: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચામાં લાગી આગ, 2500 જેટલી ભારી બળીને થઈ ખાખ
જિલ્લા ખેતીવાડી તંત્રએ આપ્યા આંકડા
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા દરેક તાલુકાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં ગાંધીનગર તાલુકામાં સરેરાશ 131 ટકા, દહેગામ તાલુકામાં 116 ટકા, માણસા તાલુકામાં 11 ટકા અને કલોલ તાલુકામાં વાવેતર 110 ટકા પર પહોંચી ગઇ હોવાની માહિતી આપવામાં આવી છે.
ત્રણ વર્ષનું ઉનાળુ વાવેતર સરેરાશ 232,187 હેક્ટરમાં
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જિલ્લામાં ત્રણ વર્ષનું ઉનાળુ વાવેતર સરેરાશ 232,187 હેક્ટર વિસ્તારમાં નોંધવામાં આવ્યુ છે. ખેડૂતો દ્વારા આ સરેરાશને ગત સપ્તાહમાં જ પાર કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યારે ચારેય તાલુકાની સરેરાશ 100 ટકાને પાર થઇ ન હતી.
આ વર્ષે જિલ્લામાં કુલ વાવેતર 27,500 હેક્ટરમાં
જો કે હવામાનમાં થતો બદલાવ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શાંત થયો હતો. જેના પગલે વાવેતરના ગણતરીના દિવસો બાકી રહેતા ખેડૂતોએ વાવેતર શરુ કરી દીધુ હતુ અને જોત જોતામાં તમામ તાલુકામાં વાવેતર 100 ટકાને પાર થઇ ગયુ છે. આ સાથે જિલ્લામાં કુલ વાવેતર 27,500 હેક્ટર પર પહોંચવા પર આવ્યું છે.
અલગ અલગ તાલુકામાં આ પ્રમાણેનું વાવેતર
જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવવા પ્રમાણે દહેગામ તાલુકામાં 7890 હેક્ટરની સરેરાશ સામે 9130 હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં 6054 હેક્ટરની સરેરાશ સામે 7930 હેક્ટરમાં, કલોલ તાલુકામાં 3139 હેક્ટરની સરેરાશ સામે 3446 હેક્ટરમાં અને માણસા તાલુકામાં 6104 હેક્ટરની સરેરાશ સામે 6788 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરાયું છે.
વિવિધ પાકના વાવેતરમાં ઘાસચારાનું વાવેતર 14563 હેક્ટર વિસ્તારમાં, બાજરીનું વાવેતર 7553 હેક્ટરમાં, શાકભાજીનું વાવેતર 5090 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાંગરનું વાવેતર 60 હેક્ટરમાં, મગનું વાવેતર 16 હેક્ટરમાં અને તલ તથા મગફળીનું વાવેતર 6-6 હેક્ટરમાં કરવામાં આવ્યુ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાયુ હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…