EDII એ વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી સંદર્ભે સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે કર્યા MOU
ગુજરાતમાં કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. 40 હજાર જેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવશે. વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી સંદર્ભે ગુજરાત સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે MOU કર્યા છે. પ્રારંભિક તબક્કે 500 જેટલા નોડલ ઓફિસર નિયુક્ત કરીને 2 હજાર જેટલા વિદ્યાર્થીઓને લાભ અપાશે.

EDII (એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા)એ ગુજરાત સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ MOU ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી રૂષિકેશ પટેલ, ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ગુજરાત સરકારનાં ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા તથા EDII નાં ડિરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાની હાજરીમાં કરવામાં આવ્યા હતા.
આ પોલિસી વિદ્યાર્થીઓને તેમના સર્જનાત્મક વિચારો અને કુશળતા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડશે તથા તેમને ભવિષ્યના સાહસિકો બનવા માટે વધુ પ્રોત્સાહિત કરશે.
રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્ય સરકારે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી અમલમાં મુકવામાં આવેલ છે.
આ પણ વાંચો : તમારા કારણે નહી, પીએમ મોદીને કારણે તમે જીત્યા છો- સી આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહ્યું
EDII સંસાધન વ્યક્તિઓની કેડર તૈયાર કરીને (ઉદ્યોગસાહસિકતા સંબંધિત તાલીમ આપવા માટે ફેકલ્ટી માર્ગદર્શક), વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન કરીને, તેમને તેમના પોતાના સાહસો સ્થાપવા માટે તાલીમ આપવા દ્વારા નીતિનો અમલ કરશે.