Gujarat Election: ચૂંટણી પહેલા ભાજપે અનુભવીઓને સંગઠનમાં આપ્યુ માનભેર સ્થાન, જાણો કેમ વિજય રૂપાણી અને નીતિન પટેલનો કોર કમિટીમાં કરાયો સમાવેશ
એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ (BJP) નવા ખેલાડીઓને તો પક્ષમાં આવરી જ રહી છે. બીજી તરફ નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી (Former CM Vijay Rupani) , પૂર્વ Dy.CM નીતિન પટેલનો સમાવેશ કરતા એવુ લાગી રહ્યુ છે કે જુના ખેલાડીઓને પણ છોડવા માગતા નથી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની જગ્યા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે તો સત્તાધારી ભાજપ ભાજપ (BJP) , ગુજરાતનો ગઢ જાળવી રાખવા સરકાર અને સંગઠનમાં અવનવા રાજકીય પ્રયોગ કરી રહી છે. 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવવા માટે, ભાજપે વિજય રૂપાણીના મંત્રીમંડળને સ્થાને ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની અધ્યક્ષતામાં નવુ મંત્રીમંડળ રચ્યું. જો કે આ મંત્રીમંડળને ગણતરીના મહિના થતા જ કેબિનેટમાં નંબર 2 ગણાતા પ્રધાન સહીતના બે પ્રધાનોના ખાતા આંચકી લીધા. તો બીજી તરફ ભાજપે સંગઠનમાં જૂના જોગી કહેવાતા અનુભવીઓને કેટલીક મહત્વની સમિતીઓમાં માનભેર સ્થાન આપવામાં આવ્યું છે.
જુના નેતાઓનું મહત્વ જાળવી રાખ્યુ
એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ નવા ખેલાડીઓને તો પક્ષમાં આવરી જ રહી છે. બીજી તરફ નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ Dy.CM નીતિન પટેલનો સમાવેશ કરતા એવુ લાગી રહ્યુ છે કે જુના ખેલાડીઓને પણ છોડવા માગતા નથી. સંગઠનમાં કામ કરવાની આગવી સૂઝ અને જાહેર જીવનમાં પોતાના કામથી જન સામાન્ય પર પ્રભાવ ઊભો કરવાની કુશળતાને કારણે વિજય રૂપાણી રાજકારણમાં પહેલેથી જ આગેકૂચ કરતા રહ્યા છે. ત્યારે ચૂંટણી નજીક આવતા કેટલીક મતબેંક રૂપાણી હજુ પણ ખેંચી લાવી શકે તેમ છે. ત્યારે બીજી તરફ નીતિન પટેલ પણ મતદારોમાં સારી પકડ ધરાવે છે. ત્યારે હવે ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ Dy.CM નીતિન પટેલનો સમાવેશ કરીને ફરી ભાજપ જુનુ એટલુ સોનું જેવી કહેવત જાણે સાર્થક કરતી દેખાય છે.
બીજી તરફ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકાર હજુ એક વર્ષ પૂરું કરે ત્યાં બે સિનિયર કેબિનેટ મંત્રીના ખૂબ મહત્ત્વના ગણાય તેવાં બે ખાતાં પાછાં લઇ લેવાયાં છે. સાવ નવાં ચહેરાંને લઇને મંત્રીમંડળ બનાવાયું હોવાં છતાં તેમાં ભ્રષ્ટાચારથી માંડીને સત્તાના દુરુપયોગ જેવાં લાંછનો લાગવા માંડતા ભાજપના મોવડીમંડળને આ નિર્ણય લેવો પડ્યો છે. આ પરથી એવુ પણ લાગી રહ્યુ છે કે ભાજપ તેની નાવ થોડી પણ ડામાડોળ થતી જુવે છે તો તરત નવા ખેલાડીઓને પણ વચ્ચેથી ઉતારી શકે છે.
શું વિજય રૂપાણીને મળશે ટિકિટ ?
ભાજપમાં સંગઠન જ સર્વોપરી છે. પાર્ટીમાં નાનાથી માંડીને મોટા નેતા સુધીના સૌ કોઈ આ વાત સારી રીતે જાણે છે. એટલા માટે જ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ. ફ વિજય રૂપાણીએ બે દિવસ પહેલા અંબાજીની મુલાકાત દરમિયાન વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, ‘ભાજપ પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ અને જો ટિકિટ નહીં આપે તો ચૂંટણી નહીં લડુ,પરંતુ ભાજપ પક્ષને જીતાડવા માટે સતત પ્રયત્ન ચાલુ રહેશે અને હું પાર્ટીનો એક કાર્યકર્તા છું’. એક તરફ પક્ષ દ્વારા વિજય રૂપાણીને નવી કોર કમિટીમાં સ્થાન આપવુ અને બીજી તરફ વિજય રૂપાણીને પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરવી આ બંને બાબતો દર્શાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ વિજય રૂપાણી અને નીતિન પટેલને અવગણી શકે નહી. ચૂંટણી વધુ નજીક આવે છે ત્યારે જુના નેતાઓને જ કદ પ્રમાણે વેતરી નાંખવા એ કોઇક ઇશારો ચોક્કસ કરે છે.
મહત્વનું છે કે, ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ Dy.CM નીતિન પટેલ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ કરાયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. જેમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો સમાવેશ થયો હતો.