અપહરણનો દિલધડક કિસ્સો, 18 કલાકમાં અપહરણકર્તા ઝડપાઈ
વાત કરીએ ગાંધીનગરના કલોલના અપહરણ કેસની.દિવાળીની ખરીદી દરમિયાન ભીડમાં એક બાળક ગુમ થાય છે અને પોલીસ ફરિયાદ બાદ માત્ર ગણતરીના કલાકોમાં અપહરણ કરનાર મહિલાને પોલીસે ઝડપી લીધી છે. આખરે કેમ મહિલાએ કર્યુ બાળકનું અપહરણ ? આવો જોઈએ
ગાંધીનગરના છત્રાલ ત્રણ રસ્તા પાસે બાળકનું અપહરણ કરનાર મહિલા ઝડપાઈ.પોલીસે CCTVના આધારે આરોપી મહિલાની અટકાયત કરી.પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી બાળકને માતાપિતાને સોંપ્યું.આરોપી મહિલાની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી
કલોલ નજીક છત્રાલ બ્રિજ પાસે એક અજાણી મહિલાએ કલાબેન મીરના 6 માસના પુત્ર શાહરૂખનું અપહરણ કર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા જ એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદશન હેઠળ કલોલ પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી. પોલીસે છત્રાલ બ્રિજ નજીકના પંચાયતના CCTV કેમેરાની ચકાસણી શરૂ કરી. જેમાં મહિલા બાળકને લઈને મહેસાણા રોડ તરફ દોડતી જતી જોવા મળી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે આ મહિલા અગાઉ છત્રાલના ગેલેક્સી સોસાયટીમાં રહેતી હતી અને તેનું નામ મધીબેન હોઈ શકે છે.
આ દરમિયાન પોલીસને મહિલા એક બાળકને તેડીને અણખોલ રોડ તરફ શંકાસ્પદ હાલતમાં ઝડપથી ચાલતી જતી જણાઈ. જેને પોલીસે પકડી લઇ અપહૃત બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. મહિલા પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપી મધીબેને કબૂલાત કરી કે, તેને સંતાન ન હોવાથી અને સંતાન પ્રાપ્તિની લાલસામાં તેમણે આ બાળકનું અપહરણ કર્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

