હવે ગુજરાતમાં પણ જોવા મળશે વાઘ, ડાંગમાં ટાઇગર સફારી પાર્ક બનશે, વન વિભાગે પ્રોજેક્ટ માટે 28.96 લાખ હેક્ટર જમીનની ફાળવી
હમણા કરવામાં આવેલી ટાઇગર સફારી પાર્ક (Tiger Safari Park )પ્રોજેક્ટ અંગેની દરખાસ્તમાં આહવા-ડાંગના ઝખાના અને જોબરી ગામમાં 28.96 હેક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે.
વન્ય પ્રાણીઓના અભ્યાસુ અને જંગલની મુલાકાત માટે ઉત્સાહિત લોકો માટે આનંદના સમાચાર એ છે કે એશિયાટિક સિંહ માટે પ્રસિદ્ધ ગુજરાતમાં (Gujarat) હવે વાઘની (Tiger) ત્રાડ પણ સંભળાશે. ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા ખાતે ટાઈગર સફારી પાર્ક (Tiger Safari Park) તૈયાર કરવામાં આવશે. આહવાના જખાન અને જોબારી ગામ નજીક ટાઈગર સફારી પાર્કનું નિર્માણ થશે. વન વિભાગે સમગ્ર પ્રોજેક્ટ માટે 28.96 લાખ હેક્ટર જમીનની ફાળવણી પણ કરી દીધી છે. ટાઈગર સફારી પાર્ક પ્રોજેક્ટની તૈયારી માટે વન વિભાગ દ્વારા એક કન્સલ્ટન્ટની પણ નિમણૂંક કરવામાં આવી છે. જે ત્રણ મહિનામાં પ્રોજેક્ટ, ટુરિઝમની સુવિધાનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે. દેશ-વિદેશમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા આવતા મુસાફરો હવે થોડે દૂર તૈયાર થનારા ટાઈગર સફારી પાર્કની પણ મુલાકાત લઈ શકશે.
રાજ્યમાં 2019માં મહીસાગર જિલ્લામાં મધ્યપ્રદેશથી 300 કિલોમીટરની સફર કરીને એક વાઘ પહોંચ્યો હતો. ત્યારે હવે ડાંગની હદમાં વાઘ જોવા મળ્યાના ત્રણ દાયકા બાદ રાજ્યના વન વિભાગ દ્વારા સાપુતારા નજીક સમઢણ રેન્જમાં ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. ગુજરાત એકમાત્ર પશ્ચિમી રાજ્ય છે જેમાં વાઘની હાજરી નથી. પણ હવે ગુજરાતમાં વાઘ અને સિંહ બંને સફારી પાર્કની મજા માણી શકાશે. કેવડિયાથી ચાર કલાકના અંતરે આવેલા ટાઈગર સફારી પાર્કમાં દીપડાઓ માટે એક અલગ જગ્યા, શાકાહારી પ્રાણીઓ માટે જગ્યા અને પક્ષીઓ માટેનું સ્થળ રાખવાની પણ યોજના ધરાવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) એ તેના માટે પહેલાથી જ પ્લાનને મંજૂરી આપી દીધી છે. ટાઈગર સફારી માટે આગળ વધવાનું બાકી છે.
હમણા કરવામાં આવેલી આ પ્રોજેક્ટ અંગેની દરખાસ્તમાં આહવા-ડાંગના ઝખાના અને જોબરી ગામમાં 28.96 હેક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. જે પ્રાણીઓના વિસ્તાર, પશુ ચિકિત્સા સુવિધાઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓની કલ્પના કરે છે. પ્રવાસીઓને પર્યટન માટે ખુલ્લી જીપનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ વાઘ, એક વાઘણ અને તેના બચ્ચાના બે સેટ રાખવાની યોજના ધરાવે છે. અન્ય પ્રાણીઓના બદલામાં આ પ્રાણીઓને પાર્કમાં લાવવામાં આવશે.