Gujarat Election 2022: હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે, પાટીદાર આંદોલનના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી
ગત મહિને ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી.
ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને (Hardik Patel) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલને આ રાહત મળી છે. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ અરજી કરી સજાને સ્થગિત કરવાની માગ કરી હતી. જેથી તે હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી શકશે.
હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં કહ્યું કે, તેને ચૂંટણી લડતા અટકાવવા તેના અધિકારનું હનન છે. 2019માં એક વખત હાર્દિક પટેલે ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. પટેલના વકીલે કહ્યું કે હું સિરિયલ કિલર નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
પાટીદાર આંદોલનના 10 કેસ પાછા ખેંચાયા
ગયા મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે સાત કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી. સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી, જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા.
બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. તેમણે કહ્યું હતું કે મેટ્રોપોલિટન કોર્ટ 15 એપ્રિલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ પટેલ અને અન્યો સામેના ફોજદારી કેસને પાછો ખેંચવા અંગેનો આદેશ આપી શકે છે.