ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર’ની શરૂઆત, 16મી સુધી ચાલશે
ડાંગ દરબારની શરૂઆતમાં કલકેટર કચેરી તરફથી પાંચ રાજા અને નવ નાયકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ રાજા સાથે વહીવટી અધિકારીઓએ અને આગેવાનોએ દરબારની શુભેચ્છા પાઠવી હતી.
ડાંગ (Dang) ના પરંપરાગત (traditional) ભાતીગળ લોકમેળા ડાંગ દરબાર 2022ની શરૂઆત થઈ ગઈ છે. આદિવાસિ વિસ્તારમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. ડાંગ દરબાર (Dang Darbar) ની શરૂઆતમાં કલકેટર કચેરી તરફથી પાંચ રાજા અને નવ નાયકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ રાજા સાથે વહીવટી અધિકારીઓએ અને આગેવાનોએ દરબારની શુભેચ્છા પાઠવી હતી. મેળો આદિવાસીઓ (Tribes) ના ગૌરવનું પ્રતિક છે.
દર વર્ષે યોજાતા આ મેળામાં પરંપરા મુજબ કલકેટર, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખનું સાફો પહેરાવી તીર કામઠા આપી બહુમાન કર્યું હતું. રાજવીઓને સાલિયાણા (Pension) અર્પણ કરવાના ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે જિલ્લા સેવા સદનથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઠવામાં આવી હતી. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આહવાના રંગ ઉપવનમાં 11 વાગ્યે મહાનુભાવોના હસ્તે ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનું ઉદ્દઘાટન કરાયું હતું. આજથી શરૂ થતો ડાંગ દરબાર મેળો આગામી 16 તારીખ સુધી ચાલશે. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવતા હોય છે.
આ અવસરે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સાંસદ ડો.કે.સી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસન વિભાગના સૌજન્યથી યોજાઇ રહેલા ડાંગ દરબારના લોકમેળામા સૌને પધારવા, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ અનુરોધ કર્યો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવતા હોય છે અને તેઓ પોતાના પરંપરાગત નૃત્ય કરી ઉત્સવની ઉજવણી કરતા હોય છે.
ડાંગના રાજવીઓને 30 લાખનુ સાલિયાણું ચુકવાશે
ડાંગ દરબાર ગાઢવી સ્ટેટના રાજવી કિરણસિંગ યશવંતરાવ પવારને રૂ.1,26,898, તપતરાવ આનંદરાવ પવાર-દહેરને રૂ.86,391, છત્રસિંગ ભંવરસિંગ સૂર્યવંશી-અમાલા (લીંગા)ને રૂ. 95,816, ત્રિકમરાવ સાહેબરાવ પવાર-પીંપરીને રૂ.1,04,316 તથા ધનરાજસિંહ ચંદ્રસિંગ સૂર્યવંશી-વાસુર્ણાને રૂ. 77,739 વાર્ષિક સાલિયાણુ અર્પણ કરાશે. આમ, ડાંગના પાંચ રાજવીઓને કુલ રૂ. 4,91,160નુ સાલિયાણુ અર્પણ કરવા સાથે, 9 નાયકો અને 432 ભાઉબંધોને અંદાજિત રૂ.25,08,840નું વાર્ષિક પોલિટિકલ પેન્શન મળી, કુલ 30 લાખ જેટલુ સાલિયાણુ ચૂકવવામા આવનાર છે.