ડાંગ : નવા બની રહેલા ડેમોને લઇને સ્થાનિકોમાં ચિંતા, વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં બેઠક યોજાઇ
402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક 1350 મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે.
ડાંગ (DANG) જિલ્લાના વઘઇ તાલુકાના ચીકાર(જામલાપાડા) ગામેમાં નવા બની રહેલા ડેમો (DAM) મામલે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મિટિંગ રાખવામાં આવી હતી. નોંધનીય છેકે પાર- તાપી -નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં (Par-Tapi-Narmada Link ) સાત જેટલા ડેમો બનવા જઈ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે.
આ મામલે આદિવાસી સમાજના તમામ સંગઠનો અને વઘઇ તાલુકાના તમામ આગેવાનો સાથે ડુબાણમાં જતા ચીકાર ગામમાં એક મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં તમામ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય (MLA Anant patel) અનંત પટેલે જણાવ્યું હતું કે તાપી-પાર -નર્મદા લિંક રિવર પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી ગામો ડુબાણમાં જવાના છે તેમજ પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થશે.
ત્યારે ડાંગ જિલ્લામાં બનનાર ડેમો માટે ડુબાણમાં જતા જંગલો અને ગામો બાબતે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આ બાબતે ભરૂચથી આવેલા રાજ વસાવાએ જણાવ્યું હતું કે ડેમો બનવાથી આદિવાસી લોકો અને ગામ લોકોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ સાથે જ જંગલો અને ડુબાણના ગામોને બચાવવા આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
તો આ બાબતે ગામના આગેવાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે જળ-જંગલ-જમીન બચાવવા માટે સંગઠિત બનીને અમે લડત ચલાવીશું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી,ગમન ભોંયે,સૂર્યકાન્ત ગાવિત,સુનિલભાઈ,ચિરાગ ભાઈ,તુષાર કામળી,રાકેશ પવાર ,શંકર ભાઈ સહીત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા.
શું છે પાર-તાપી-નર્મદા લીંક યોજના ?
402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક (Par-Tapi-Narmada Link )દ્વારા વાર્ષિક 1350 મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે. દમણગંગા-પીંજલ લીંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક 577 મીલીયન ધન મીટર વધારાનુ પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે. પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્ત્રાવક્ષેત્રમાં ફુલ સાત જળાશયનાં બાંધકામનો સમાવેશ થાય છે.
દમણગંગા-પીંજલ લીંકનાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતની સાત નદીઓને જોડીને પાર તાપી નર્મદા લીંક પ્રોજેકટ શરૃ કરનાર છે. આ પ્રોજેકટ હેઠળ દક્ષિણ ગુજરાતની સાત નદીઓને એકબીજા સાથે જોડી દેવાશે. જેમાં દરેક નદીઓ પર એક ડેમ બાંધવામાં આવશે. અને તમામ સાત નદીઓને જોડીને જે પાણી સંગ્રહાશે તે તમામ ડેમનું પાણી ઉકાઇ જળાશયમાં ઠલવાશે.ઉકાઇ ડેમથી એક કેનાલ બનાવીને તેને સરદાર સરોવર સાથે જોડી દેવાશે.
આ પણ વાંચો : વડોદરા : ક્રેડાઈ પ્રમુખ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ‘હું મયંક પટેલને ઓળખતો નથી’
આ પણ વાંચો : સુરત : કાપોદ્રામાં પતિને એવું તો શું થયું તો પતિએ પત્નીની હત્યા કરવી પડી ?