1 લી મે “ગુજરાત સ્થાપના દિવસ” ડાંગ સાથેના મહા ગુજરાતની ચળવળની ઝાંખી
આજે, ડાંગ (Dang) પણ ગુજરાતની જેમ 62 વર્ષનુ થયું, એક સમયે અંધારીયા મુલક તરીકે ઓળખાતુ ડાંગ, આજે "પ્રાકૃતિક ડાંગ" તરીકે ઓળખાઈ રહ્યુ છે. દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો એટ્લે ડાંગ, રાજ્યનો સૌથી પહેલો જ્યોતિર્ગામ જિલ્લો એટ્લે ડાંગ, નલ સે જલ યોજનાનો સો ટકા લક્ષ સિદ્ધિ ધરાવતો જિલ્લો એટ્લે ડાંગ.
Dang : દેશ જ્યારે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે, આ મહામૂલી (Freedom) આઝાદી અને સ્વતંત્રતા અપાવનારા અનેક નામી-અનામી કાર્યકરો, કર્મઠ આગેવાનો, રાષ્ટ્રપ્રેમીઓના યોગદાન અને તેમણે કરેલા કાર્યોથી, આજની નવી પેઢીને વાકેફ કરી શકાય તેવા સ્તુત્ય પ્રયાસો સાથે, ‘તા.૧લી મે – ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે (Gujarat Foundation Day)આ ખાસ અહેવાલ પ્રસ્તુત કરાયો છે.
તો આવો જાણીએ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી છૂટા પડેલા ‘ડાંગ’ સાથેના મહાગુજરાત ચળવળના કેટલાક અંશો,
“ગુજરાતની અસ્મિતા” એવો પહેલ વહેલો શબ્દ પ્રયોગ કરનાર સ્વ.શ્રી કનૈયાલાલ મુનશીએ, બૃહદ મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન સાથે ગુજરાતમા, મહાનગર મુંબઈ પણ જોઈએ, તેવી લાગણી વ્યક્ત કરતા, “મહાગુજરાત જનતા પરિષદ” સાથેના સૈદ્ધાંતિક વિરોધ બાદ, રાજસ્થાનની સરહદે ‘આબુ’ અને અહી મહારાષ્ટ્રની સરહદે ‘ડાંગ’ માટે પણ વિરોધ ખેંચતાણ શરૂ થયાનુ “મહાગુજરાતની ચળવળ” મા નોંધાયુ છે.
તત્કાલિન કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર-ગુજરાત અને મુંબઈ, એમ ત્રણ હિસ્સાના સમર્થનમા હતી. જેને કારણે મરાઠી ભાષીઓને એવુ લાગતુ હતુ કે, ગુજરાતીઓને કારણે મુંબઇને, મહારાષ્ટ્રમાંથી છીનવી લેવાશે. જેને કારણે ઊભી થયેલી ગેરમાન્યતાને કારણે સંઘર્ષ ઉગ્ર બન્યો હતો.
આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન પેચિદો બન્યો હતો. ડાંગની પ્રજાની બોલી ‘મરાઠી’ જેવી હતી. અહીના લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ મહારાષ્ટ્રીયન લોકોને મળતો આવતો હતો. જેને કારણે ભારે ખેંચતાણ વચ્ચે, પહેલા ડાંગ, અને પછી સાપુતારાને ગુજરાત સાથે રાખવા માટે, તે વખતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી, ગુજરાતની અસ્મિતાને અહી સુપેરે લાગુ કરવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા હતા.
સને.1956ની “મહાગુજરાત ચળવળ” અને ડાંગ સાથેના ગુજરાત રાજ્યના સ્વપ્નદૃષ્ટા એવા, ડાંગ સ્વરાજ આશ્રમના નાયક બંધુઓ, તથા તેમના નિષ્ઠાવાન કાર્યકરોની ધારદાર રજૂઆત, અને તત્કાલિન વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુની દિલ્હી ખાતેની શ્રેણીબદ્ધ રૂબરૂ મુલાકાત બાદ, “ડાંગ સાથેના ગુજરાત” ની તા.1 લી મે 1960ના રોજ સ્થાપના થઈ હોવાની જાહેરાત, આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ઉપરથી વિધીસર રીતે થઈ, ત્યારે બાર-બાર વર્ષોના સંઘર્ષનો અંત આવ્યો હતો.
તે વેળા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતાએ ડાંગ નામનુ બાળક, માં ગુર્જરીને ખોળે બેઠું છે ત્યારે સરકાર, ડાંગને શું ભેટ આપે ? તેવી વાત રજૂ કરી. ત્યારે ડાંગને કર્મભૂમિ બનાવનાર નાયક બંધુઓએ, ડાંગના લોકોને માથે ચઢેલા સરકારી દેવાને માફી આપવા સાથે, તે વખતના “ડાંગ ફંડ” ને “ડાંગ વિકાસ ફંડ” ના નામે તિજોરીમા જમા કરી, તેના વ્યાજની આવકમાંથી પણ, ડાંગના વિકાસ કામો હાથ ધરવાની માંગણી કરી હતી. જેનો મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ સ્વિકાર કર્યો હોવાની નોંધ, સ્વ.શ્રી ઘેલુભાઈ નાયકે તેમના “મારી સ્મરણયાત્રા” નામના પુસ્તકમા કરી છે.
દ્વિભાષી મુંબઈ રાજ્યના એક ભાગ તરીકે ગણાતા ડાંગ પ્રદેશ માટે, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે તે વખતે, ભારે ખેંચતાણ થઈ હતી. ડાંગ જિલ્લા લોકલ બોર્ડની ચૂંટણી ઉપર આખી વાત નિર્ભર હતી. 30 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાંથી 26 બેઠકો સાથે ગુજરાત તરફી પેનલનો વિજય થયો, અને લોકલ બોર્ડના પ્રથમ પ્રમુખ તરીકે સ્વ.શ્રી છોટુભાઇ નાયકના અધ્યક્ષપદે, ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાશે, તેવો ઠરાવ થયો. આ ઠરાવના વિરોધમા ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો કે જેઓ ડાંગ પ્રદેશ, મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા. તેમણે ઉગ્ર વિરોધ નોંધાવતા સભા ત્યાગ પણ કર્યો હતો.
ગુજરાત પેનલમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી દસ કાર્યકરો ગુજરાતના હતા, અને સોળ કાર્યકરો સ્થાનિક આદિવાસી કાર્યકરો હતા. જેમને પલટાવવા માટે પણ ખૂબ જ પ્રયત્નો થયા પણ તેઓ જરાપણ ડગ્યા વિના ગુજરાત સાથે જોડાયા. આમ, ડાંગ જિલ્લામા પહેલી વહેલી ચૂંટણી પણ સને.1957-58મા યોજાઇ હતી. જેમા ગુજરાત તરફી પેનલ 86 ટકા મત (30 માંથી 26 બેઠકો) સાથે વિજયી બની હતી. ધીમે ધીમે ભાષાવાદની ભૂતાવણ પણ ભૂંસાતી ગઈ. અંતે 1 લી મે 1960એ આ તમામ ખટપટનો અંત આવ્યો અને ડાંગ નામનુ બાળક, માં ગુર્જરીના ખોળે બેઠું.
સાપુતારાનો પણ ડાંગમા સમાવેશ થાય તે માટે શરૂ થયેલી ચળવળ વેળા, બે રાજ્યોના સીમાંકન વખતે, ગુજરાત/મહારાષ્ટ્રની સરહદે જે સ્થળે નવરચિત બન્ને રાજયોના ગવર્નરોએ, સીમાંકનની પ્રક્રિયા હાથ ધરી હતી, એ જગ્યા એટ્લે આજનુ ‘ગવર્નર હિલ’ તરીકે ઓળખાતુ સ્થાન.
સાપના ઉતારા – એટ્લે સાપુતારા. જે જમાનામા ડાંગ પ્રદેશ, અંધારીયા મુલક તરીકે ઓળખાતો તે વેળા, અહીના જંગલોમા ઝેરી સાપોની ભરમાર હતી. આ સરીસૃપોના અહી રાફડા હતા. સાપુતારા લેક તરીકે ઓળખાતા ‘સર્પગંગા તળાવ’ ની સામે પાર, નાગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, આ સર્પોનુ જુનુ મંદિર-સ્થાનક આવેલુ છે.
ત્યારબાદ પ્રવાસીઓના ઉતારા માટે જિલ્લાના લોકલ બોર્ડ દ્વારા તા.24/05/1961ના રોજ ‘પ્રવાસી ગૃહ’ ના મકાનના શિલારોપણ સાથે તા.13/02/1964ના રોજ આ પ્રવાસીગૃહના ઉદ્દઘાટન સાથે પ્રવાસીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામા આવી હતી. જે સ્વાગત સર્કલની બાજુમા જમણા હાથે આવેલુ છે. ત્યારબાદ કાળક્રમે ડાંગ, સાપુતારા, અને નવાગામના વિકાસની પ્રવૃતિ પણ હાથ ધરવામા આવી.
આજે, પ્રવાસીઓથી બારેમાસ ઉભરાતા સાપુતારાએ, ઐતિહાસિક સંઘર્ષની સાથે અનેક ચડતીપડતી જોઈ છે.
હવાખાવાના સ્થળ તરીકે ઓળખાતા સાપુતારાના વિકાસ સાથે અહી સને.1968મા વિજળીકરણના કાર્યનો પણ પ્રારંભ કરાયો હતો. ડાંગના શિક્ષણ અંગે સને.1948નાં જૂન મહિનામાં ઝી૫૨ભાઈ તથા રામજીભાઈ સ્વરાજ આશ્રમ વેડછી ખાતે પૂ.જુગતરામભાઈ દવે પાસે ગયા અને જંગલ વિસ્તારના ગરીબ આદિવાસી ગામોમાં શરૂ કરેલ શૈક્ષણિક અને સામાજિક કાર્યોની વિગતો જણાવી. જુગતરામભાઈ દવેએ આ આયોજન અને માર્ગદર્શન માટે 7મી સપ્ટેમ્બર 1948માં છોટુ નાયક તથા ઘેલુ નાયકને આહવા ગામે મોકલ્યા. ઝીપરભાઈ કાળુભાઈ ગાંગોડા તથા રામજીભાઈ તુળાજીભાઈ પટેલ સાથે પરિચય કરાવી ડાંગની પ્રજા સાથે રહી લોકઉત્કર્ષના કામો કરવા સમજ આપી, અને તે જ દિવસે એટલે કે તા.07/09/1948ના રોજ છોટુભાઈ નાયકે આહવા ખાતે ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ શાળાની સ્થાપના કરી. ત્યારબાદ કાલીબેલ, કિ૨લી, વી૨થવા વગેરે સ્થળે ગુજરાતી શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત થઈ. આ રીતે આ શાળાઓના માધ્યમ દ્વારા ગુજરાતી શિક્ષણનો વ્યાપ ડાંગમાં વધતો ગયો, અને આમ આ અંધારીયા મુલકમા શિક્ષણનો પણ સૂર્યોદય થયો.
આજે, ડાંગ પણ ગુજરાતની જેમ 62 વર્ષનુ થયું, એક સમયે અંધારીયા મુલક તરીકે ઓળખાતુ ડાંગ, આજે “પ્રાકૃતિક ડાંગ” તરીકે ઓળખાઈ રહ્યુ છે. દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો એટ્લે ડાંગ, રાજ્યનો સૌથી પહેલો જ્યોતિર્ગામ જિલ્લો એટ્લે ડાંગ, નલ સે જલ યોજનાનો સો ટકા લક્ષ સિદ્ધિ ધરાવતો જિલ્લો એટ્લે ડાંગ. કોરોનામાં સૌથી વધુ સુરક્ષિત રહેલો જિલ્લો એટ્લે ડાંગ.
આમ, ડાંગ જિલ્લો વિકાસની તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. પ્રાથમિક જરૂરિયાતની તમામ સુખ સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન પ્રવૃતિઓનો વિકાસ, પ્રાકૃતિક-ઓર્ગેનિક અન્ન ઉત્પાદન, નોખી અનોખી જીવનશૈલી, હરિયાળા વન અને વન્યપ્રાણી, સાથે આજનુ ડાંગ પ્રતિભાઓથી ઉભરાતુ ડાંગ પણ સાબિત થઈ રહ્યુ છે.
આ પણ વાંચો :Dwarka: તીર્થ પુરોહીત ગુગળી બ્રાહ્મણો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ સર્જાયો
Viral Video : ઉર્ફી જાવેદ પિન્ક ક્રોપ ટોપમાં થઇ સ્પોટ, નેટિઝન્સે કહ્યું, ‘શું આ પિલ્લો શીટ છે?’