Dahod: ચંદલા ગામમાં વરસાદ બાદ કાદવ-કીચડનું સામ્રાજ્ય, વિદ્યાર્થીઓને શાળામાં જવામાં હાલાકી, સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની ભીતિ
દાહોદના (Dahod) ચંદલા ગામના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઇ રહેતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીના ભરાવાને કારણે આખા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઇ ગયું છે.
ગુજરાતમાં (Gujarat) તોફાની બેટિંગ બાદ અંતે મેઘરાજા (Monsoon 2022) હવે થોડા શાંત થયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે વરસાદ (Rain) બાદ હવે અનેક રસ્તાઓ ધોવાયા છે. સાથે જ ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. દાહોદ (Dahod) જિલ્લામાં પણ વરસાદ બાદ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. ચંદલા ગામમાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. એકબાજુમાં રસ્તાઓ ખરાબ હોવાને કારણે વાહનચાલકોને હાલાકી સહન કરવી પડી રહી છે. બીજી બાજુ કાદવ કીચડના કારણે લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી પડી રહી છે.
ચંદલા ગામમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય
વરસાદને લઈ હાલ રાજ્ય (Gujarat) માટે રાહતના સમાચાર છે. હાલ રાજ્યમાં રેડ એલર્ટ કે વોર્નિંગ નથી. તો બીજી તરફ નુકસાનીનો સર્વે અને સહાય વિતરણ પણ ચાલું છે. જો કે આ બધા વચ્ચે પણ લોકોને હાલાકી તો ભોગવવી પડી જ રહી છે. દાહોદના ચંદલા ગામના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઇ રહેતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીના ભરાવાને કારણે આખા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. જેને પગલે વિદ્યાર્થીઓને પણ શાળાએ જવામાં અનેક તકલીફો ભોગવવી પડી રહી છે.
લોકોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
દાહોદના ચંદલા ગામમાં રસ્તાની ગંદકીને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે. હોસ્પિટલમાં દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં ધીરે ધીરે વધારો થયો છે. ગામમાં કાદવ કીચડનું પ્રમાણ વધતા ગ્રામજનો વહેલી તકે રસ્તો રિપેર કરવાની તંત્ર પાસે માગ કરી રહ્યા છે. ગ્રામજનોમાં વરસાદ બાદ તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ન ધરાતા રોષ જોવા મળી રહ્યો છે.
વરસાદનું જોર ઘટ્યુ
મહત્વનું છે કે ગુજરાતમાં (Gujarat) હાલ તોફાની વરસાદ થોડો શાંત થયો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. શનિવારે રાજ્યના 50 તાલુકાઓમાં જ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણાના જોટાણામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજ્યના દરેક જિલ્લાને રેડ એલર્ટમાંથી હટાવી દેવાયા છે. હવામાન વિભાગે માત્ર સૌરાષ્ટ્રમાં જ વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે.