CM ભૂપેન્દ્ર પટેલે માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ કહ્યું- રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતને નુકસાનીમાંથી ઝડપભેર બેઠા કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, માવઠાગ્રસ્ત વિસ્તારના ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોર બાદ ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે પહોંચ્યા હતા. ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા મુખ્ય પ્રધાને મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી.
મુખ્યમંત્રીએ ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.
તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.
આ પણ વાંચોઃ વટવામાં મેગા ટર્મિનલ બનાવાશે, 10 લાઈન નાખીને રોજની 150 ટ્રેન દોડાવાય તેવુ રેલવે સ્ટેશન બનાવવા અશ્વિની વૈષ્ણવની જાહેરાત
