વિકસીત ગુજરાતનો ઝોળીમાં ઝૂલતો વિકાસ, ખરાબ રસ્તાને કારણે ઈજાગ્રસ્ત પ્રસુતાને ઝોળીમાં લઈ જવા લાચાર પરિવાર- જુઓ Video
ગતિશીલ ગુજરાત અને વિકસીત ગુજરાતના અસંખ્ય દાવા વચ્ચે છોટા ઉદેપુરના નસવાડીથી પ્રસુતાને ઝોળીમાં લઈ જતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. શનિવારે આ પ્રસુતાનુ મકાન ધરાશાયી થતા તેને ઈજા પહોંચી હતી. બીજા દિવસે તેને પ્રસવ પીડા પરિવાર ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ જવા મજબુર બન્યો.
છોટા ઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ જતા હોય તેવા દૃશ્યો અવારનવાર સામે આવી ચુક્યા છે. મોડલ સ્ટેટ ગુજરાતના વિકાસની અન્ય રાજ્યોને મિસાલ આપવામાં આવે છે. ત્યારે છાશવારે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં સામે આવતા આવા દૃશ્યો અત્યંત શરમજનક અને ચિંતા ઉપજાવે તેવા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ છોટા ઉદેપુર જેવા અંતરિયાળ જિલ્લાના લોકો પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે. દર ચોમાસાએ અહીં આ પરિસ્થિતિ સર્જાઈ જાય છે. ચોમાસુ આવતા જ અહીંના ઉબડખાબડ રસ્તાઓ પરથી વાહનો ચાલી શક્તા નથી. જેના કારણે ગામમાં કોઈ સાજુમાંદુ હોય કે કોઈ મહિલાને પ્રસુતિ આવવાની હોય તો ઝોળી એકમાત્ર વિકલ્પ બચે છે.
પાકા રસ્તાના અભાવે પ્રસુતા સહિત ઈજાગ્રસ્તોને ઝોળીમાં નાખી લઈ જવાયા
હાલ જે દૃશ્યો સામે આવ્યા છે તે નસવાડી તાલુકાના છે, જ્યાં ઈજાગ્રસ્ત પ્રસુતાને પ્રસવ પીડા ઉપડી હતી. 108 એમ્બ્યુલન્સ રસ્તાના અભાવે ગામમાં આવી શકે તેવી સ્થિતિમાં ન હતી. બુટીપ્રસાદીથી રામાપ્રસાદીનો માર્ગ અત્યંત બિસમાર બન્યો છે. રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પણ આવી શક્તી નથી. જેના કારણે સગર્ભા મહિલાને ઝોળીમાં લઈ જવામાટે પરિવારના લોકો લાચાર બન્યા છે. વાસ્તવમાં ગામમાં એક મકાન ધરાશાયી થતા પ્રસુતા સહિત ચાર લોકોને ગંભીર ઈજા આવી હતી. આથી ગામલોકો ઈજાગ્રસ્તોને ઝોળીમાં લઈ જવા મજબુર બન્યા છે. પ્રસુતાની સાથે બાળકને પણ ઝોળીમાં લઈ જવાયા હતા
તાત્કાલિક ગામમાં પાકો રોડ બનાવવાની ગામલોકોની માગ
અહીના લોકો દ્વારા અનેકવાર માગ કરવામા આવી છે છતા રસ્તો બન્યો નથી અને વધુ એકવાર નસવાડીના રામાપ્રસાદી ગામના લોકો તાત્કાલિક રસ્તો બનાવવાની માગ કરી રહ્યા છે. આ માત્ર એક ગામની સમસ્યા નથી. છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના ગામોની આજ સ્થિતિ છે. જ્યા પાકા રસ્તા નથી અને રોડના અભાવે ગામલોકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લામાં મોટાભાગના લોકો આદિવાસીઓ વસે છે અને ખેતીકામ તેમજ મજુરી સાથે સંકળાયેલા હોય છે. ત્યારે આ લોકો રસ્તા પર ઉતરીને પાકા રોડ માટે આંદોલન નથી કરવાના એ બરાબર સમજતી સરકાર આ લોકોની જરૂરતો પ્રત્યે પણ ઉપેક્ષા સેવી રહી છે. વર્ષોથી અહીંના લોકો રસ્તાના અભાવે બદ્દતર જિંદગી જીવી રહ્યા છે પરંતુ કોઈને તેમની પડી નથી. કારણ કે આ ગરીબ ભલાભોળા લોકો ક્યારેય સરકારો પાસે તેમના વોટનો હિસાબ માગવા નથી જવાના અને આથી જ ઝોળી જેવો જુગાડ શોધીને તેઓ જેમતેમ તેમનુ ગુજરાન ચલાવે છે. છાશવારે સામે આવતા ઝોળીના દૃશ્યો જોઈને અહીંના સત્તાધિશોની આંખો કેમ નહીં ખૂલતી હોય તે મોટો સવાલ છે..
Input Credit- Maqbul Mansuri- ChhotaUdepur