ઝોળીમાં ઝુલતો ગુજરાતનો વિકાસ: છોટાઉદેપુરમાં 10 દિવસમાં પ્રસુતાને ઝોળીમાં ઉંચકીને આરોગ્ય કેન્દ્રે પહોંચાડવાની આ ત્રીજી ઘટના- જુઓ Video
ગતિશીલ, વિકસીત ગુજરાતના દાવા વચ્ચે કહેવુ ઘટે કે હજુ ગુજરાતના અંતરિયાળ જિલ્લાના છેવાડાના ગામો સુધી કોઈ જ વિકાસ પહોંચ્યો નથી. પાયાની કહી શકાય તેવી પાકા રસ્તાની સુવિધા પણ ગુજરાતની સરકાર ત્યાં પહોંચાડી શક્તી નથી અને આથી જ છોટાઉદેપુરમાં છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી ઘટના છે જ્યાં પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાની ફરજ પડી છે.
છોટા ઉદયપુરમાં ઝોળીમાં ઉંચકીને પ્રસુતાને લઇ જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કવાંટના પડવાણી ગામમાં પ્રસુતાને બે કિલોમીટર સુધી ઝોળીમાં લઇ જવાની ફરજ પડી હતી. રસ્તાના અભાવે 108 પહોંચી ન શકતા પ્રસુતાને ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવી. જે બાદ 108 દ્વારા મહિલાને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઈ હતી. મહિલાએ આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકને જન્મ આપ્યો છે.
જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ઝોળીમાં ઉંચકીને લઈ જવાની આ ત્રીજી ઘટના છે. છોટા ઉદયપુરમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવા આ દ્રશ્યો છે. 10 દિવસમાં ત્રણ વખત પ્રસુતાને ઝોળીમાં લઈ જવી પડે તોય તંત્રના પેટનું પાણી પણ ન હલે. અહીં વીડિયોમાં જુઓ આ દ્રશ્યો. જેમા પ્રથમ ઘટના
- કવાંટના પડવાણી ગામની છે. જ્યાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા રસ્તાના અભાવે 108 પહોંચી ન શકતા બે કિલોમીટર સુધી ઝોળીમાં લઇ જવાની ફરજ પડી.
- આ અગાઉ થોડા દિવસ પહેલાં બોનબારીયા ગામે ત્રણ કિલોમીટર સુધી રસ્તો ન હોવાથી ઝોળીમાં જ પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો.
- ત્રીજી તસવીરમાં નસવાડીના ખેડા ગામમાં પણ રસ્તાના અભાવે 108 સમયસર ન પહોંચી શકતા સગર્ભાને મુખ્ય રસ્તા સુધી ઝોળીમાં લાવવી પડી.
ગુજરાતનો ઝુલામાં ઝુલતો વિકાસ
આ અલગ અલગ તસવીરો અમે આપને ગુજરાતના ઝુલામાં ઝુલતા વિકાસની બતાવી રહ્યા છીએ અને આ જે બનાવો બન્યા છે તે 10 દિવસની અંદર જ બન્યા છે. 30 જૂન, 26 જૂન અને 20 જૂન. ભલે ગામ અલગ હોય પરંતુ જે સમસ્યા છે એ ઠેર ની ઠેર.
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ અને નસવાડી તાલુકા અંતરિયાળમાં આવેલા છે. જે ડુંગરો અને જંગલોથી ઘેરાયેલા છે. જેના કારણે પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે અને આઝાદીના સમયથી આ વિસ્તારોની સ્થિતિ આવી જ છે. તંત્ર પણ અહીં રસ્તા બનાવવાની કોઈ તસ્દી લેતુ નથી. ચાહે આ વિસ્તારના લોકો ગમે તેવી હાડમારી કેમ ન વેઠતા હોય. તંત્રને આ લોકોની કંઈ પડી હોય તેવુ જણાતુ નથી. વર્ષોથી અહીં પાકા રસ્તાનો અભાવ છે અને આથી જ ગામના લોકોને ગામના કોઈપણ દર્દી બીમાર હોય કે સગર્ભા મહિલાઓ હોય તેમને હોસ્પિટલે પહોંચાડવા માટે ઝોળીનો સહારો લેવો પડે છે.
છેલ્લા 10 દિવસની અંદર ત્રણ એવા બનાવ બન્યા છે જેની અંદર પ્રસુતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડે એટલે ગામના લોકો ઝોળીમાં નાખીને લઈ જતા હોય પરંતુ નિર્લજ તંત્રને તેની કંઈ પડી નથી.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અહીં ઢોળાવવાળા રસ્તાઓ છે આથી મહિલાને ઝોળીમાં લઈ જતી વખતે જો થોડુ પણ બેલેન્સ ગયુ તો જીવનું જોખમ અને બાળક ગુમાવવાનું બંને જોખમ છે. આજના બનાવમાં પણ પ્રસુતા મહિલાને ઝોળીમાં નાખી ત્રણ કિલોમીટર ચાલીને લઈ જવાની ફરજ પડી. ત્યારબાદ ગામથી બહાર આગળ 108 ઉભી હતી ત્યાં પહોંચાડવામાં આવી હતી.
વર્ષોથી આ ગામના લોકોની માગ છે કે તેમના ગામની અંદર પાકા રસ્તા બનાવવામાં આવે પરંતુ તંત્રને ગામમાં રસ્તા બનાવવામાં કોઈ રસ નથી. ગામમાં રસ્તો ન હોવાથી ત્રણ કિલોમીટર સુધી ચાલીને ઝોળીમાં ઉંચકીને પ્રસુતાને લઈ જવાઈ રહી હતી. એ પણ ઢોળાવવાળા માર્ગ પરથી. જો કંઈ દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? સૌથી મોટો સવાલ તો એ છે કે શું વિકાસ એટલે માત્ર ચકાચૌંધ કરી દેતો મહાનગરોનો જ વિકાસ? અંતરિયાળ વિસ્તારમાં વસતી ગુજરાતની આ ગરીબ જનતાનો શું વિકાસ પર કોઈ હક્ક નથી? તેઓ ગગનચુંબી ઈમારતો નથી માગતા, માગી રહ્યા છે તો માત્ર 2 થી ત્રણ કિલોમીટરના પાકા રસ્તાઓ. પરંતુ બહેરાની સાથે આંધળા બની ગયેલા તંત્રને આ લોકોની ના તો પીડા દેખાય છે ના તો સંભળાય છે.