અરબી સમુદ્રમાં પાકિસ્તાનની બોટમાંથી 10 કરોડનુ ડ્ર્ગ્સ-હથિયારો પકડવાનો કેસ, દાઉદ ઈબ્રાહિમના સાથીદારો સહીત 14 સામે ચાર્જશીટ દાખલ
Dawood Ibrahim : ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત ATS અને NCBની સંયુક્ત ટીમે પાકિસ્તાની બોટમાંથી રૂ. 10 કરોડનું ડ્રગ્સ અને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા હતા.
સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ આજે અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટમાં પાકિસ્તાની દાણચોરો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ હાજી સલીમ અને ડ્રગ માફિયા અને ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકના અન્ય13 લોકો સામે દાખલ કરવામાં આવી છે. NIAએ જણાવ્યું કે, ગુજરાત ATS અને NCBએ ગયા વર્ષે, 27 અને 28 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાનથી ગુજરાત બંદરે પહોંચેલી ફિશિંગ બોટને જપ્ત કરી હતી.
આ પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી ઘાતક હથિયારો અને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમજ સ્થળ પરથી 10 પાકિસ્તાની દાણચોરો ઝડપાયા હતા. પકડાયેલા પાકિસ્તાની દાણચોરોની ઓળખ-
- કાદરબખ્શ ઉમેતન બલોચ
- અમાનુલ્લાહ મૂસા બલોચ
- ઈસ્માઈલ સબઝલ બલોચ
- અલ્લાહબખ્શ હતાર બલોચ
- ગોહરબખ્શ દિલમુરાદ બલોચ
- અમ્માલ ફુલાન બલોચ
- ગુલ મોહમ્મદ હતર બલોચ
- અંદમ અલી બોહર બલોચ
- અબ્દુલગની જુંગિયન બલોચ
- અને અબ્દુલહકીમ દિલમુરાદ બલોચ તરીકે કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ મામલે હાજી સલીમ, અકબર અને કરીમ બખ્શના નામ સામે આવ્યા હતા, તેમની સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, ભારતીય તપાસ એજન્સીઓને દ્રઢપણે વિશ્વાસ છે કે, હાજી સલીમ એ જ ભારતનો ભાગેડુ આરોપી દાઉદ ઈબ્રાહિમ છે, જે સતત પોતાનું નામ બદલીને હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ ભારતમાં મોકલી રહ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATS અને NCBને ડિસેમ્બર મહિનામાં માહિતી મળી હતી કે હાજી સલીમના નામે પાકિસ્તાનમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ અને હથિયારોનું કન્સાઈનમેન્ટ ગુજરાતના ઓખા દરિયાકાંઠે પહોંચવાનું છે. તે પછી તરત જ, 27 અને 28 ડિસેમ્બર 2022 ની રાત્રે, ATS અને NCBની સંયુક્ત ટીમે 10 પાકિસ્તાની દાણચોરોને પાકિસ્તાની બોટમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ અને હથિયારો સાથે પકડ્યા, જેના પર અલ-સોહેલી લખેલું હતું.