Breaking News : અમદાવાદના ગોતા અને બહેરામપુરામાંથી ટોમેટો કેચઅપના લીધેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, સિન્થેટિક કલરનો ઉપયોગ થયાનો રિપોર્ટ
બહેરામપુરામાંથી અંદાજે 2 ટન અને ગોતામાંથી 10 ટન જેટલો સોસનો જથ્થો ઝડપાયો હતો. આ બંને સ્થળેથી લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટમાં ગુણવત્તા નિર્ધારિત ધોરણો મુજબ ન હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad News : શહેરમાં ટોમેટો કેચઅપ અને સોસના નામે વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગોતા અને બહેરામપુરામાંથી લેવામાં આવેલા સોસના સેમ્પલના રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન સોસમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાનું તેમજ સિન્થેટિક કલરનો ઉપયોગ કરાયો હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. અલગ-અલગ પ્રકારના ચાર કલરનો ઉપયોગ કરાયો હોવાની વિગતોને પગલે ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ગોતા અને બહેરામપુરામાંથી 12 ટન સોસનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ, બહેરામપુરામાંથી અંદાજે 2 ટન અને ગોતામાંથી 10 ટન જેટલો સોસનો જથ્થો ઝડપાયો હતો. આ બંને સ્થળેથી લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટમાં ગુણવત્તા નિર્ધારિત ધોરણો મુજબ ન હોવાનું સામે આવ્યું છે. સોસમાં સ્ટાર્ચનું વધુ પ્રમાણ અને સિન્થેટિક કલરના ઉપયોગ અંગેની વિગતો સામે આવતાં આ ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.
બહેરામપુરામાં ભળતાં નામે વેચાતો હતો સોસ
આ અગાઉ બહેરામપુરામાં ટોમેટો કેચઅપના મળતા આવતા નામનો ઉપયોગ કરીને સોસ વેચતી ફેક્ટરી પર તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં ‘સ્નેક ટચ અપ’ નામથી સોસનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 2,000 કિલો જેટલો જથ્થો ઝડપાયો હતો.
ગંદકી વચ્ચે પેકિંગ થતું હોવાનો આક્ષેપ
ફેક્ટરીના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સાફ-સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. ગંદકીવાળા સ્થળે અયોગ્ય રીતે સોસનું પેકિંગ કરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી હતી. આ જથ્થો હોલસેલમાં વેચવામાં આવતો હતો. ટોમેટો કેચઅપ તરીકે ઓળખાતા ઉત્પાદનની જગ્યાએ અન્ય પ્રકારની ચટણીનું વેચાણ થતું હોવાની બાબત પણ તપાસ દરમિયાન ચર્ચામાં આવી હતી.
ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો
સોસના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવવા, સ્ટાર્ચનું વધુ પ્રમાણ અને સિન્થેટિક કલરના ઉપયોગ અંગેના અહેવાલથી ગ્રાહકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. જોકે, આ મામલે સંબંધિત સત્તાવાળાઓની અંતિમ કાર્યવાહી, ઉત્પાદકો સામે લેવાયેલાં પગલાં અને જપ્ત કરાયેલા જથ્થાનો નિકાલ કેવી રીતે કરવામાં આવશે તે અંગેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થવી બાકી છે.
