Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેન ક્રેશ, ખાનગી કંપનીનું મીની પ્લેન ક્રેશ થતા પાયલોટનું મોત
Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેન ક્રેશ, ખાનગી કંપનીનું મીની પ્લેન ક્રેશ થતા પાયલોટનું થયુ મોત
અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી છે. આ પ્લેન ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમનામાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલોટનું મોત થયુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાયલોટ માત્ર 19 વર્ષનો હતો અને પ્લેનક્રેશમાં તેનું દુખદ અવસાન થયુ છે.
અમરેલીમાં ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયુ હતુ. ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો અને સમગ્ર પ્લેન આગમાં લપેટાઈ ગયુ હતુ. આગની જ્વાળામાં લપેટાયેલુ પ્લેન નીચે પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
શું પ્લેનમાં કોઈ ખામી હતી ?
અમરેલીમાં એક ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ માટેનું સેન્ટર ચાલે છે. આ સેન્ટર પર નવા પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગના ભાગરૂપે જ પાયલટ યુવક તાલીમ લઈ રહ્યો હતો અને તે સમયે પ્લેનક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. જો કે પ્લેનમાં કોઈ ખામી હતી કે કેમ, ક્રેશ થવા પાછળનું કારણ શું તે અંગે હજુ ચોક્કસ કોઈ માહિતી સામે આવી નથી. ચોક્કસથી આ અંગે તપાસના અંતે જાણવા મળશે કે શું પ્લેનમાં આંતરિક કોઈ ખામી હતી કે પછી પાયલોટની કોઈ ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે સૌથી મોટો સવાલ એ છે કે,
- શું પ્લેન ટેકનિકલ રીતે સંપૂર્ણ સુરક્ષિત હતુ કે કેમ?
- તેના એન્જિનમાં કોઈ ગંભીર ખામી હતી કે કેમ
- શું પ્લેન શરૂ કરતા પહેલા તેની બરાબર સર્વિસ થયેલી હતી?
- શું પ્લેનની નિયમિત તપાસ થતી હતી કે કેમ?
- ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટર્સના ફ્લીટ મેન્ટેનન્સ પર પણ નજર કરવાની જરૂર છે. શું પ્લેનની નિયમિત તપાસ થાય છે?
- શું DGCA (Directorate General of Civil Aviation)ના નોર્મ્સ મુજબ પ્લેનને ફ્લાઈટ માટે યોગ્ય ઠેરવવામાં આવ્યુ હતું?
પ્લેનક્રેશની આટલી મોટી દુર્ઘટના અને તેમા એક આશાસ્પદ 19 વર્ષિય પાયલોટ યુવકનું મોત થયા બાદ આ તમામ પ્રશ્નો અંગે ગંભીરતાથી તપાસ થવી જરૂરી છે.
બ્લાસ્ટ થતા પાયલોટ પ્લેનની અંદર જ મૃત્યુ પામ્યો
પ્લેન ક્રેશ થવાની ઘટનાની જાણ થતા જ અમરેલી કલેક્ટર અજય દહિયા, એસપી સંજય ખરાત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યા હતા અને પાયલોટને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. ફાયરવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગમાં લપેટાયેલા પ્લેનમાંથી પાયલોટને બહાર કાઢવામાં આવ્યો હતો. કમનસીબે પ્લેનમાં બ્લાસ્ટ થવાને કારણે પાયલોટ યુવક અંદર જ મૃત્યુ પામ્યો હતો અને તેના ફાયર વિભાગની ટીમે પાયલોટની ડેડબોડી બહાર કાઢી હતી.
પ્લેનમાં કેટલા વ્યક્તિ સવાર હતા ?
પ્લેનમાં બે વ્યક્તિ સવાર હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે સદ્દનસીબે જાહેર માર્ગ પર આ પ્લેન ક્રેશ થયુ હતુ છતા આસપાસના અન્ય કોઈ વ્યક્તિને તેમા કોઈપણ ઈજા પહોંચી નથી.
શું કહ્યુ SP સંજય ખરાતે?
આ સમગ્ર દુર્ઘટના અંગે એસ.પી. ખરાતે જણાવ્યુ કે પ્લેનક્રેશ થતાની સાથે જ મોટાપાયે સળગી ગયુ છે જેમા અનિકેત મહાજન નામના એક વ્યક્તિનું મોત થયુ છે. એસપીના જણાવ્યા અનુસાર પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતો.
શું કહ્યુ કલેક્ટર અજય દહિયાએ?
અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા એ જણાવ્યુ કે ટ્રેનર પ્લેનમાં સિંગલ ટ્રેની સવાર હતા, અને તેઓ સોલો ફ્લાઈંગ કરી રહ્યા હતા. જેની તેમણે મંજૂરી લીધેલી હોવાનું સામે આવ્યુ છે. પ્લેનક્રેશ થયુ તે સમયે એક વૃક્ષ સાથે ટકરાઈને નીચે પડ્યુ હતુ. સદ્દનસીબે તે કોઈ બિલ્ડીંગ સાથે ટકરાયુ ન હતુ.
સોલો ફ્લાઈટ માં કોઈ સુપરવિઝન કેમ ન હતુ?
આ દુર્ઘટનામાં 19 વર્ષિય પાયલોટનું મોત બાદ એ સવાલ પણ ચોક્કસથી ઉઠે કે તે સોલો ફ્લાઈટ પર કેમ હતો. સોલો ફ્લાઈટનો અર્થ જ એવો થયો કે સુપરવિઝન વિના તાલીમ લઈ રહ્યો હતો. સોલો ફ્લાઈટના અનેક જોખમો રહેલા છે, ત્યારે તેની કેટલી તૈયારી હતી. એ પણ તપાસનો વિષય છે. શું પાયલોટને પૂરતી તાલીમ આપવામાં આવી હતી કે નહીં તે પણ મોટો સવાલ છે ?
Input Credit- Jaydev Kathi- Amreli
