Breaking News : રાજકોટમાં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં IT વિભાગના દરોડા, 20 ટીમ કાર્યવાહીમાં જોડાઇ
વહેલી સવારે સાત વાગ્યાથી જ અલગ અલગ ટુકડીઓ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગની 20 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
Rajkot : રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે (Income Tax Department) દરોડા પાડ્યા છે. IT વિભાગે (IT Raid) જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આશરે દોઢ ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. વહેલી સવારે સાત વાગ્યાથી જ અલગ અલગ ટુકડીઓ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગની 20 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ પણ વાંચો-Monsoon 2023: મોડાસામાં સાડા 5 ઈંચ, ધનસુરામાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા
રાજકોટમાં બિલ્ડર લોબીના ત્યાં કાર્યવાહી કર્યા બાદ હવે જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે. આજે વહેલી સવારથી જ રાજકોટમાં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં રેડ પાડવામાં આવી છે. રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ ચાલી રહી છે.
જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ
મળતી માહિતી પ્રમાણે રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાધિકા જ્વેલર્સના કોલકાતા ખાતેના શોરુમમાં પણ તપાસ
રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. રાધિકા જ્વેલર્સના કોલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે.
મહત્વનું છે કે રાજકોટમાં ગઇકાલથી આવકવેરા વિભાગની ગતિવિધિ જોવા મળી રહી હતી. જે પછી રાજકોટ સહિત આવકવેરા વિભાગે દેશભરમાં 15થી વધુ સ્થળોએ તપાસ હાથ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સના શોરુમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. રાજકોટનું સોની બજાર એશિયાનું સૌથી મોટુ સોની બજાર છે. ત્યારે ITની રેડ થતા તમામ જ્વેલર્સના ત્યાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન રાત સુધી ચાલે તેવી શક્યતા છે. જેના અંતે કાળાનાણાં વિશે જાણકારી મળે તેની શક્યતા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો