Breaking News : સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી, કહ્યું દેશ-વિદેશમાં ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું છે.મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, 1લી મે આપણા ગુજરાતનો ગૌરવવંતો સ્થાપના દિવસ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમૃતકાળનો આ પહેલો ગુજરાત ગૌરવ દિવસ વિશેષ મહત્વ ધરાવતો ગૌરવ દિવસ છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, 1 મે 1960 ના દિવસે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતીઓએ પોતાના ખમીર અને ઝમીર ઝળકાવીને ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરી વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. ધરતીકંપનો માર હોય, પૂરનો પ્રકોપ હોય કે કોરોના મહામારી હોય ગુજરાતી બાંધવોએ દરેક આફતનો મક્કમતાથી મૂકાબલો કર્યો છે. એમાંય પાછલા બે દાયકામાં તો વડાપ્રધાન મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપણે વિકાસની નવી પરિભાષા આપી છે એમ તેમણે ઉમેર્યું હતું.
વિકાસ કેવો હોય, વિકાસની રાજનીતિ શું હોય એ ગુજરાતે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ રાજ્ય તરીકે દેશ અને દુનિયાને બતાવ્યું હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના વિકાસની આ યાત્રા સતત અવિરત આગળ ધપાવવા પીએમ મોદીના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂકીને જનતા જનાર્દને પ્રચંડ જનાદેશ આપ્યો છે. એ બદલ અમે આપ સૌના આ પ્રેમનો નતમસ્તકે ઋણ સ્વીકાર કરીએ છીએ.
ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી
ગૌરવવંતા સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને વિશ્વાસ આપતા કહ્યું કે, જનતા જનાર્દને અમારામાં મુકેલો ભરોસો-વિશ્વાસ અમે એળે નહિં જવા દઇએ અને જે વચનો આપ્યાં છે તે પાળી બતાવીશું, ગુજરાતનું માન-સન્માન વધારીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી છે.
જનતા જનાર્દનના આશીર્વાદથી ઝિલી લેવા આપણે સૌ તૈયાર છીએ
વડાપ્રધાન મોદીએ કંડારેલા વિકાસના એ રાજમાર્ગને વધુ ઉન્નત બનાવવામાં ટીમ ગુજરાત કોઈ કચાશ નહીં રાખે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી ધરાવતો દેશ બન્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, 2027 સુધીમાં ભારતને પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલરનું અર્થતંત્ર બનાવવા વડાપ્રધાનએ આહવાન કર્યુ છે. તેમના હરેક આહવાનની જેમ આ આહવાન પણ જન સહયોગ અને જનતા જનાર્દનના આશીર્વાદથી ઝિલી લેવા આપણે સૌ તૈયાર છીએ.
દેશના કુલ જી.ડી.પી. માં ગુજરાતનો શેર 8.36 ટકા છે
દેશના કુલ જી.ડી.પી. માં ગુજરાતનો શેર 8.36 ટકા છે તેને આવનારા વર્ષોમાં 10 ટકાથી વધુ કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આ વર્ષે અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક ૩ લાખ કરોડનું બજેટ આ સરકારે આપ્યુ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ વિકાસ, યુવા રોજગાર દરેકે દરેક ક્ષેત્રે વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ગુજરાતમાં આપણે આવનારા વર્ષોમાં ઊભી કરવાના છીએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…