બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ, કોઝવે તૂટતા ગામો સંપર્કવિહોણા બન્યા- VIDEO
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ બોટાદ જિલ્લામાં મેઘરાજાએ તોફાન મચાવ્યું છે. ધોધમાર વરસાદના કારણે શહેર સહીત ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી રામનીધી સોસાયટી, સ્વામિનારાયણ નગર અને પાટીદાર રેસિડન્સી જેવી ત્રણથી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. દબાણને કારણે દર વર્ષે આવા દ્રશ્યો સર્જાય છે, એવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
આ તરફ જ્યોતિગ્રામ સર્કલ નજીક મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. બીજી તરફ, કૃષ્ણસાગર તળાવ પણ છલોછલ ભરાયુ છે અને તેની સપાટી ભયજનક લેવલે પહોંચી છે. જના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામનો લાઈફલાઈન સમાન કોઝવે તૂટી જતા ગામના લાખણકા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હજારો ગ્રામજનોને આજુબાજુના વિસ્તારોમાં જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તંત્રએ રેસ્ટોરેશન કામગીરી શરૂ કરી છે અને નાગરિકોને કામ સિવાય અવરજવર ટાળવા અનુરોધ કર્યો છે.