Gujarat : શિક્ષણપ્રધાને સ્વચ્છતાનો સંદેશ તો આપ્યો, પણ સફાઈ માટેની ગ્રાન્ટ જ સમયસર ન મળતી હોવાની ઉઠી ફરિયાદ
શાળાના પરિસરની સફાઈ, તેની માટે વપરાતી ચીજવસ્તુઓના ખર્ચ માટે સરકાર ગ્રાન્ટ આપે છે. પરંતુ ગ્રાન્ટ ન મળવાના કારણે સ્થિતિ એવી છે કે, શાળાએ જાતે જ સફાઈના ખર્ચને ઉઠાવવાનો વારો આવે છે.

તાજેતરમાં જ રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનો સફાઈ કરતો વીડિયો સામે આવ્યો હતો. જેમા તેઓ શાળાના શૌચાલયની સફાઈ કરતા હતા. આ સંદેશ શાળાના આચાર્ય અને શિક્ષકો સુધી પહોંચે તે ઉદ્દેશ હશે. પરંતુ વાત સફાઈ માટે અપાતી ગ્રાન્ટની હોય તો એવી ફરિયાદ છે કે, સફાઈ માટેની ગ્રાન્ટ સમયસર મળતી નથી. છેલ્લા ત્રણ મહિનાથી સફાઈ માટેની ગ્રાન્ટ અપાઈ ન હોવાની ફરિયાદ છે. મહત્વનું છે કે, શાળાના પરિસરની સફાઈ, તેની માટે વપરાતી ચીજવસ્તુઓના ખર્ચ માટે સરકાર ગ્રાન્ટ આપે છે. પરંતુ ગ્રાન્ટ ન મળવાના કારણે સ્થિતિ એવી છે કે, શાળાએ જાતે જ સફાઈના ખર્ચને ઉઠાવવાનો વારો આવે છે.
નવેમ્બરથી નથી મળી સફાઈની ગ્રાન્ટ !
ભાવનગર સહિત રાજ્યની આવી 40 હજાર શાળાઓ છે, તો સ્થિતિ શું થાય તે સમજી શકાય. આવી સ્થિતિ નવેમ્બર માસથી છે. કારણ કે છેલ્લા ઓક્ટોબર માસમાં ગ્રાન્ટની રકમ શાળાઓને મળી હતી. ત્યારબાદ હજુ ગ્રાન્ટના ઠેકાણા નથી. આ અંગે શિક્ષણ સચિવને પણ રજૂઆત કરાઈ છે. જેથી સમયસર સમસ્યાનો ઉકેલ આવે.