Gujarati Video: ગુરૂએ બરબાદ કર્યું શિષ્યનું ભવિષ્ય ! ડમીકાંડનો આરોપી મિલન ઘુઘા બારૈયા છે ખૂબ તેજસ્વી, ગુરુએ મિલનને કૌભાંડમાં ધકેલ્યો
Dummy Scam : પોલીસ તપાસમાં ડમી ઉમેદવાર તરીકે મિલને જુદી જુદી નવ પરીક્ષાઓ આપી હોવાનું ખુલ્યુ છે. જો કે ડમી કાંડમાં ઝડપાયેલા આરોપી મિલન ઘુઘા બારૈયાની જિંદગી તેમના જ શિક્ષક અને ગુરૂ શરદ પનોતે બરબાદ કરી દીધી હોવાનું સામે આવ્યુ છે.
ભાવનગર સહિત સમગ્ર રાજ્યવ્યાપી ડમી કોભાંડ હાલમાં ચર્ચાનો વિષય છે. સમગ્ર ડમી કૌભાંડમાં અત્યાર સુધી 38 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જે પૈકી એક છે મિલન ઘુઘા બારૈયા. પોલીસ તપાસમાં ડમી ઉમેદવાર તરીકે મિલને જુદી જુદી નવ પરીક્ષાઓ આપી હોવાનું ખુલ્યુ છે. જો કે ડમી કાંડમાં ઝડપાયેલા આરોપી મિલન ઘુઘા બારૈયાની જિંદગી તેમના જ શિક્ષક અને ગુરૂ શરદ પનોતે બરબાદ કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. ગુરુ શરદે અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી એવા મિલનને ડમી વિદ્યાર્થી તરીકે એક પછી એક પરીક્ષાઓ અપાવી અને ગુરૂની આ કરતૂતે હોનહાર વિદ્યાર્થી મિલનને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ગુરુએ શિષ્યને મેડિકલમાં જવાની ના પાડી
ડમી કૌભાંડમાં એજન્ટો અને ગેરરીતિ આચરનારાઓ લાખો રૂપિયા કમાયા છે. પણ ડમી તરીકે પરીક્ષા આપી તે મિલન અને તેનો પરિવાર હજુ પણ આર્થિક રીતે ખરાબ પરિસ્થિતિમાં જીવે છે. મિલન છઠ્ઠા ધોરણથી જ સરતાનપરના શિક્ષક શરદ પનોત પાસે અભ્યાસ કરતો હતો. મિલન અને તેના પરિવારને ગુરૂ એવા શરદ પર ખૂબ જ ભરોસો હતો, પણ મિલનની ક્ષમતા પારખી ગયેલા ગુરૂ શરદે જ મિલનને મેડિકલમાં જવાની ના પાડી અને યુપીએસસીની તૈયારી માટે પોતાના ખર્ચે ગાંધીનગરના ક્લાસીસમાં દાખલ કરાવ્યો.
મિલનના માતા-પિતાની હાલત કફોડી બની
મિલને ડમી તરીકે એક-બે નહીં પરંતુ નવ-નવ પરીક્ષાઓ આપી છે અને તે પરીક્ષાઓ પાસ પણ કરી છે. મિલને આપેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવાર ક્યાંક સરકારી કર્મચારી છે તો ક્યાંક મેડિકલ સ્ટુડન્ટ છે. પરંતુ આ પરીક્ષામાં ટોચના માર્ક મેળવનાર મિલન જેલમાં છે. જેના કારણે મિલનના પરિવારની હાલત ખૂબ કફોડી બની ગઇ છે. સમગ્ર કૌભાંડ અંગે અજાણ એવા મિલનના માતા અને પિતાની હાલત રડી રડીને ખરાબ થઇ ગઇ છે.
પરિવાર ઇચ્છતો હતો કે મિલન ડોક્ટર બને
ભાવનગરના ઘોઘા તાલુકાના સરતાનપર ગામે રહેતો મિલનનો પરિવાર એકદમ ગરીબ સ્થિતિમાં જીવે છે. મિલનને પરિવારમાં માતા-પિતા અને એક ભાઇ છે. જેમના કહેવા મુજબ મિલન નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો. આથી તેમને આશા હતી કે મિલન ભણીગણીને ડોક્ટર કે મોટો અધિકારી બનશે. ગમે તેવી અઘરી પરીક્ષા આસાનીથી પાસ કરતા મિલનને ધોરણ-12 સાયન્સ બાદ વડોદરામાં મેડિકલમાં એડમિશન પણ મળી ગયું. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મિલનના પિતા ઘુઘાભાઇ તેને મેડિકલમાં ન મોકલી શક્યા.
મિલનના ભોળપણ અને છોકરમતનો લાભ ઉઠાવી અને લાલચ આપી ગુરૂ શરદે તેને ડમી તરીકે અનેક પરીક્ષાઓ અપાવી. ત્યારે ગુરૂના વાંકે જેલમાં ધકેલાઇ ગયેલા મિલન પ્રત્યે સરકાર રહેમ દાખવે તેવી પરિવારજનો અને સમાજના આગેવાનોની માગ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…