ભાવનગરના ભાલ પંથકમાં પૂરનો પ્રકોપ, પાળિયાદમાં 3 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા ગામલોકો ત્રાહિમામ- Video
સીઝનના પહેલા વરસાદે જ ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેકઠેકાણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભાલ પંથકમાં વરસાદ રહી ગયા બાદ પણ પાણી ઓસર્યા નથી. વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઉતરતા ગામલોકો ત્રાહિમામ થયા છે.
ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર જિલ્લામાં મેઘારાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ. સતત વરસેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ભાલ પંથકમાં વરસાદ રહી ગયા બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી. પાળિયાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેકઠેકાણે પાણી ભરાયેલા છે. જેના કારણે ગામલોકો ત્રાહિમામ બન્યા છે. પૂરના કારણે સંપર્ક કપાવાથી પાળિયાદ ગામ બે દિવસ સંપર્ક વિહોણુ બન્યુ હતુ. ગામલોકો હજુ પણ પૂરના પાણીમાંથી આવાગમન કરવા મજબુર બન્યા છે જેના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમાં કોઈ વાહન પણ ચાલી શકે તેમ નથી. ટ્રેક્ટર કે બોટનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પૂરના પાણીમાં તણાવાથી અત્યાર સુધીમાં 10 કાળિયારના મોત
આ તરફ ભાલમાં પૂરના પાણીમાં અનેક વન્ય પ્રાણીઓ પણ તણાયા છે. વરસાદી પાણીમાં તણાઈ જતા ત્રણ કાળિયારના મોત થયા છે. આ પહેલા સવાઈનગરમાં ગઈકાલે 7 કાળિયારના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે સવાઈનગર અને દેવળિયાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે જનજીવન પ્રભાવિત થયુ હતુ. આ પાણી કાળિયાર માટે મોતના પાણી સાબિત થયા છે. કાળિયાર ફસાયા હોવાની વિગતો મળતા મોબાઈલ સ્કવોડ ટીમે બે કાળિયારને રેસક્યુ કર્યા હતા. હાલ અન્ય વિસ્તારોમાં પણ સ્કેનિંગની કામગીરી ચાલી રહી છે.
પૂૂરના કારણે અંતિમ યાત્રા કાઢવામાં આવી ભારે મુશ્કેલી
ભાલ પંથકમા આવેલા પૂરને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. માઢીયા ગામમાં પૂરના કારણે મૃતકની સ્મશાન યાત્રા કાઢવામાં ભારે મુશ્કેલી સામે આવી હતી. ઢીંચણ સમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવા માટે ગામલોકો મજબુર બન્યા હતા. ત્રણ દિવસથી ભાલ પંથકના ગામોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગામલોકોનું જીવન ખોરવાયુ છે. સ્મશાન યાત્રાનો આ વીડિયો બતાવે છે કે જીવનપર્યંત સંઘર્ષ કર્યા બાદ મૃત્યુ પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.