છોટાઉદેપુરમાં રસ્તો ન હોવાથી ફરી સગર્ભાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ, કાચા રસ્તાને કારણે ન પહોંચી શકી 108 – જુઓ Video
છોટા ઉદેપુરમાં ફરી સગર્ભાને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો છે. નસવાડી તાલુકાના ખેંદા ગામમાં પાકો રસ્તો ન હોવાથી 108 પહોંચી શકી ન હતી. જેના કારણે સગર્ભાને ઝોળીમાં બાંધીને હોસ્પિટલે પહોંચાડવી પડી હતી.
રાજ્યના છેવાડે આવેલા છોટા ઉદેપુર જિલ્લામાંથી અવારનવાર એવા દૃશ્યો સામે આવે છે જે ગુજરાતના ચકાચૌંધ કરી દેતા વિકાસના દાવા સામે સવાલ ઉઠાવે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લામાં આઝાદીથી લઈને આજ સુધી રોડ- રસ્તાની કામગીરી બાબતે અહીંના સ્થાનિક તંત્રથી લઈને રાજ્યની સરકારો દ્વારા રીતસરની ઉપેક્ષા સેવાઈ રહી છે. જિલ્લાના અનેક ગામોમાં કાચા રસ્તાને કારણે અહીં વાહનો અવરજવર કરી શક્તા નથી. અરે વાહનો તો છોડો ગામમાં કોઈ સાજુ-માંદુ હોય કે સગર્ભા મહિલાઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ આવી શક્તી નથી. આવા જ દૃશ્યો અવારનવાર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સામે આવતા રહે છે. ફરી નસવાડી તાલુકાના ખેંદા ગામમાંથી આ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. જ્યા કાચા રસ્તાને કારણે ગામમા 108 પહોંચી શકી ન હતી. ખાનગી જીપ બોલાવાઈ હતી પરંતુ એ પણ પથરાળ રોડ પર ઢાળ ચડી ન શક્તા સગર્ભાને ઝોળીમાં ઉંચકીને મુખ્ય રસ્તા સુધી લાવવામાં આવી હતી. ત્યારે સવાલ એ છે કે વારંવાર આ જિલ્લામાંથી આ પ્રકારની હાલાકીના દૃશ્યો સામે આવે છે છતા રોડ-રસ્તાની બાબતે કોઈ નક્કર કામગીરી કેમ થતી નથી ?
હવે તો અહીંના સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે કે શું અમે આ રાજ્યના નથી? શું અમે મત નથી આપતા? શું અમે સરકારને ટેક્સ નથી ચુકવતા? છતા વિકાસની બાબતમાં છોટાઉદેપુર આટલુ પાછળ કેમ?
“અંતરિયાળ વિસ્તારોમાં પાકા તો ઠીક કાચા રસ્તા પણ ન બન્યા”- મનિષ દોશી
હાલ આ સમગ્ર ઘટના વચ્ચે વિપક્ષ કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે વિકાસ અને આરોગ્ય સેવાના માત્ર બણગા ફૂંકાય છે પરંતુ કામગીરી થતી નથી. આદિવાસી વિસ્તારોને અન્યાય કરવાની ભાજપની સરકારોની નીતિ છે. મનિષ દોશીએ ઉમેર્યુ છે કે અંતરિયાળ વિસ્તારોમાં પાકા તો છોડો કાચા રસ્તા પણ બન્યા નથી. દર વર્ષે વિકાસના નામે કરોડોની ગ્રાંટ ફાળવવામાં આવે છે ત્યારે તેમણે સવાલ કર્યો છે કે વિકાસના નાણાં જાય છે ક્યાં?
ગામડાઓમાં જ મેડિકલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કેમ નહીં ?
જો કે છોટાઉદેપુરની આ કોઈ પહેલી ઘટના નથી. વિકાસિત ગુજરાતના દાવા વચ્ચે વારંવાર આવી શરમજનક ઘટના સામે આવતી રહે છે. છોટા ઉદેપુર જિલ્લામાંથી તો છાશવારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે. નર્મદા જિુલ્લામાં પણ આવા કિસ્સા નોંધાયેલા છે. રસ્તાના અભાવે તુરખેડાની પ્રસુતાને લઈ જતી વખતે જ તેનુ મોત નિપજ્યુ હતુ. સમયસર હોસ્પિટલે પહોંચી ન શકતા તુરખેડાની સગર્ભા મહિલાનું મોત થયુ હતુ. ન જેના થોડા દિવસ બાદ તુરખેડાના જ માનુકલા ફળિયામાંથી આવી ઘટના સામે આવી હતી જ્યા રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચતા સગર્ભાને ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં નાખીને લઈ જવી પડી હતી. ગત ડિસેમ્બરમાં નર્મદાના ચાપટ ગામમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. રસ્તાના અભાવે સગર્ભાને 10 કિલોમીટર સુધી ઝોળીમાં લઈ જવાઈ હતી. જ્યા રસ્તામાં જ તેની પ્રસુતિ થઈ હતી.
તુરખેડામાં પ્રસૂતાના મોતની ઘટના બાદ પણ બોધપાઠ કેમ ન લેવાયો ?
1 ફેબ્રુઆરી 2025ના રોજ છોટાઉદેપુરના કુંડાના નોલિયાબારી ફળિયામાં પણ સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. સગર્ભાને ઝોળીનાં નાખી ખાનગી વાહનમાં અને ત્યાંથી હોસ્પિટલમાં પહોંચાડાઈ હતી. પરંતુ ત્યા સુધી એટલુ મોડુ થઈ ગયુ કે સગર્ભાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આજે ફરી છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી આ જ પ્રકારના સગર્ભાને ઝોળીમાં લઈ જવાના દૃશ્યો સામે આવ્યા છે. જે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. હાઈકોર્ટે સુઓમોટો લઈને ફટકાર લગાવી હોવા છતા તંત્ર દ્વારા કામગીરી થતી નથી. ક્યા સુધી આ પ્રકારને પાકા રસ્તાને અભાવે સગર્ભઓ કણસતી રહેશે?