ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ ઠપ્પ થઇ જતા 5 મૃતદેહ ડીકમ્પોઝ થયા, એનજીઓની રજુઆત બાદ સમારકામ શરૂ કરાયું
વિવાદ સંદર્ભે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રેટ કટના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હતું જેથી સમસ્યા સર્જાઈ હતી. તાત્કાલિક સમારકામ શરૂ કરાવી દેવાયું છે. ટૂંક સમયમાં મશીન ફરી કાર્યરત થશે.
ભરૂચ(Bharuch ) સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ના કોલ્ડ સ્ટોરેજ તકનીકી ખામી સર્જાવાના કારણે ખોટકાઈ પડ્યું હતું.મામલે કોઈ સ્ટાફનું ધ્યાન ન પડતા 5 મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયા હોવાનો એક એનજીઓએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મામલે ઉહાપોહ મચતાં સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દોડધામ કરી મૂકી હતી. સૂત્રો અનુસાર મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હદે ડીકમ્પોઝ બન્યા છે ત્યારે બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની કામગીરી સાથે સંકળાયેલા એનજીઓ ધર્મેશ સોલંકીએ હોસ્પિટલ મેનેજમેંટ ઉપર લાપરવાહીના આક્ષેપ કાર્ય છે. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાએ ટીવી ૯ સાથેની વાતચીતમાં વહેલી તકે સમસ્યા હલ કરવા આદેશ કરાયા હોવાનું જણાવ્યું હતું.
ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એનજીઓ ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આજે બપોરના સુમારે તેઓ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોને અંતિમક્રિયા માટે લઈ જવા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું. હાલની કાળઝાળ ગરમીમાં ૪૦ ડિગ્રી કરતા વધુ તાપ વચ્ચે મૃતદેહોને જાળવવા ખુબ નીચા તાપમાનની જરૂર રહેતી હોય છે. આ વચ્ચે ૫ મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતા ડીકમ્પોઝ થઇ ગયા છે. આ બાબતે જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને તસવીરો સાથે વાકેફ કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
ઉચ્ચ કક્ષા સુધી મામલો પહોંચતા હોસ્પિટલ સૂત્રો પાસે જવાબ મંગાવની શરૂઆત થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલે પોતાના ટેક્નિકલ સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજ તરફ રવાના કર્યા હતા. બે ટુકડીઓએ ભેગા મળી સમારકામ માટે કામગીરી શરૂ કરી હતી જોકે કેટલીવારમાં કોલ્ડ સ્ટોરેજ કામ કરવા લાગશે તેનો સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો.
રેટ કટના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હતું : ગોપિકા મેખીયા , એડમિનિસ્ટ્રેટર સિવિલ હોસ્પિટલ
વિવાદ સંદર્ભે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રેટ કટના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હતું જેથી સમસ્યા સર્જાઈ હતી. તાત્કાલિક સમારકામ શરૂ કરાવી દેવાયું છે. ટૂંક સમયમાં મશીન ફરી કાર્યરત થશે.
2 દિવસ પહેલા મુકાયેલ મૃતદેહ ડીકમ્પોઝ થયા : ધર્મેશ સોલંકી, એનજીઓ
મામલે દરમેશ સોલંકીએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ૨ દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેજમાં મુકાયેલ મૃતદેહ પણ ડીકમ્પોઝ થયો છે. આ જોતા મશીન એકાદ બે કલ્ક નહિ પરંતુ વધુ સમય બંધ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. મોતનો મલાજો જળવાય તે માટે આવી લાપરવાહીઓ અટકાવવી જોઈએ
આ પણ વાંચો : ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી