BHARUCH : વર્ષ 2021માં 37,981 મિલ્કત દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા, કોરોનાકાળમાં સંખ્યામાં વધારા પાછળ આર્થિક સંકટ કે રોકાણનો નવો વિકલ્પ જવાબદાર?
આ વર્ષના દસ્તાવેજ નોંધણીના આંકડા પ્રમાણે સૌથી વધુ 15800 દસ્તાવેજ અંકલેશ્વર તાલુકામાં નોંધાયા છે જેના થકી સરકારને 77.35 કરોડની આવક થઈ છે
કોરોનાકાળ દરમ્યાન અર્થતંત્ર ઠપ્પ થવાથી અનેક લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમ્યાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ભરૂચમાં મિલકતોની લે – વેચના સોદાઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જોકે આ સંખ્યા આર્થિક સંકટના કારણે મિલ્કતોના વેચાણથી કે રોકાણમાં થયેલા વધારાના કારણે વધી છે તે સ્પષ્ટ હકીકત સામે આવી નથી.
કોરોનાકાળમાં સામાન્ય માણસની આવક ઘટી હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે. સરકારના રેવન્યુ વિભાગ અંતર્ગતના રજિસ્ટ્રાર કચેરીમાં અનુમાનિત સંજોગોથી વિપરીત સરકારની આવકમાં બમ્પર વધારો થયો છે. આ વર્ષે થયેલા દસ્તાવેજોની નોંધણી સાથે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી દ્વારા સરકારની તિજોરીમાં 230 કરોડની આવક થઈ છે જે પાછલા બે વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે.
ભરૂચના સબ રજીસ્ટાર કિશોરભાઈ પટેલના જણાવ્યા અનુસાર આંકડાકીય માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં વર્ષ 2019માં 32322 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. વર્ષ 2020 માં દસ્તાવેજોની સંખ્યામાં 1.17 ટકા ઘટાડો થયો હતો અને 28538 નોંધણી થઈ હતી. 2021નું વર્ષ સારૂ રહ્યુ હતું. ગત વર્ષની સરખામણીમાં દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ 3.30 ટકા વધ્યુ છે અને 37981 દસ્તાવેજોની નોંધણી થઈ છે. આ રીતે જો સરકારને થયેલી આવકની વાત કરીએ તો વર્ષ 2019માં રજીસ્ટ્રેશન ફી થકી 23.27 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીથી 134 કરોડ મળી કુલ 157.47 કરોડની આવક થઈ હતી. 2020માં રજીસ્ટ્રેશન ફી થકી 21.20 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીથી 118 કરોડ મળી કુલ 139.94 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે આ આવકમાં ધરખમ વધારો થયો હતો. 2021માં રજીસ્ટ્રેશન ફી થકી 36.08 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીથી 193.98 કરોડ મળી કુલ 230.07 કરોડની આવક થઈ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કોરોના કાળ દરમિયાન દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પછી સરકાર જંત્રીના ભાવ વધારી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે. જેના પગલે એવા લોકોએ કે પેન્ડિંગ મિલકતના સોદા કરી ઝડપથી દસ્તાવેજ કરાવી લીધા હતા. આ ઉપરાંત કોરોના દરમિયાન જીંદગીનો કોઈ ભરોસો ન હોવાથી ઘણા લોકોએ પોતાના વીલ અને ગિફ્ટ ડીડ પણ કરાવ્યા હતા.
મહિલાઓના નામે દસ્તાવેજમાં વધારો
સ્ત્રી સશક્તિકરણ હેઠળ મહિલાઓના મિલ્કતમાં બરાબરનો હિસ્સો મળે તે માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત જો મહિલાઓના નામે દસ્તાવેજ કરવામાં આવે તો તેવા કિસ્સામાં રજીસ્ટ્રેશ ફીમાં રાહત મળે છે. જેની અસર જોવા મળી છે. જિલ્લામાં મહિલાઓના નામે દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધ્યુ છે. વર્ષ 2019માં 4227દસ્તાવેજ મહિલાઓના નામે નોંધાયા હતા જેમની કુલ 3.30 કરોડની રજીસ્ટ્રેશન ફી માફ કરાઈ હતી. આ રીતે વર્ષ 2020માં 4019 મહિલાઓને 2.23 કરોડ અને વર્ષ 2021માં 4894 મહિલાઓના દસ્તાવેજ નોંધણીમાં 2.93 કરોડની રજીસ્ટ્રેશન ફી માફ કરાઈ છે.
આ વર્ષે સૌથી વધુ દસ્તાવેજ અંકલેશ્વર તાલુકામાં નોંધાયા
આ વર્ષના દસ્તાવેજ નોંધણીના આંકડા પ્રમાણે સૌથી વધુ 15800 દસ્તાવેજ અંકલેશ્વર તાલુકામાં નોંધાયા છે જેના થકી સરકારને 77.35 કરોડની આવક થઈ છે. ભરૂચ તાલુકામાં 12592 દસ્તાવેજ થકી 62.36 કરોડની આવક થઈ છે. સૌથી ઓછા 271 દસ્તાવેજ નેત્રંગ તાલુકામાં નોંધાયા છે. અન્ય તાલુકામાં જંબુસર 2805, ઝઘડીયામાં 1217, વાલીયામાં 432, હાંસોટમાં 937, આમોદમાં 1354, વાગરામાં 2573 દસ્તાવેજોની નોંધણી થઈ છે.
આ પણ વાંચો : BHARUCH : એક વર્ષમાં 24000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો, અકસ્માતમાં 1697 લોકો થયા ઈજાગ્રસ્ત