Breaking News Surat: સુરતમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયો, બોગસ દસ્તાવેજ મળવા સાથે શંકાસ્પદ સંપર્ક હોવાનુ જણાયુ! Video
Surat: સુરતના ઉધનામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી આધાર કાર્ડ સહિતના કેટલાક ડુપ્લીકેટ દસ્તાવેજો મળી આવ્યા છે.
સુરત ના ઉધનામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી આધાર કાર્ડ સહિતના કેટલાક ડુપ્લીકેટ દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત યુવકના સંપર્ક શંકાસ્પદ હોવાને લઈ તે દીશામાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી છે. આરોપીની પાસેથી મળેલા બોગસ દસ્તાવેજોને લઈ પોલીસને આશંકા છે કે, તે ડુપ્લીકેટ પાસપોર્ટ તૈયાર કરવાનો પ્રયાસ કરતો હતો.
પ્રાથમિક વિગતોનુસાર શહેરના ઉધના વિસ્તારમાંથી ઝડપાયેલો યુવક વર્ષ 2018 થી અહીં રહેતો હતો. યુવક ટેકનીકલ બાબતોમાં જાણકાર હોવાને લઈ પોલીસે તેના મોબાઈલ સહિતના ગેજેટની તપાસ શરુ કરી છે. આ ઉપરાંત તેની પાસેથી જન્મનો દાખલો અને પાનકાર્ડ પણ ડુપ્લીકેટ તૈયાર કર્યા હોવાનુ મળી આવ્યુ છે. યુવક પાસેથી કેટલાક સાહિત્ય મળી આવ્યા છે. આરોપી યુવક બાંગ્લાદેશમાં શંકાસ્પદ વ્યક્તિ સાથે સંપર્ક ધરાવતો હતો. આ સિવાય પણ તે શંકાસ્પદ સંપર્ક ધરાવતો હોવાની શંકાને લઈ તપાસ કરવામાં આવી રહી છે.
સુરત પોલીસે શરુ કરી તપાસ
ટેકનીકલ જાણકાર હોવાને લઈ પોલીસને તેની જાણકારીનો ઉપયોગ શુ અને શા માટે ક્યાં કરે છે, એ જાણવા માટે પ્રયાસ કર્યો છે. આ માટે તેના મોબાઈલ સહિતના ઉપકરણોને જપ્ત કરીને તપાસ શરુ કરી છે. જેમાં કેટલીક એપ્લીકેશન શંકા પ્રેરી રહી છે. જે અંગે સાયબર ટીમ મારફતે તપાસ કરવાની શરુઆત કરવામાં આવી છે.
યુવક પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ ઉપરાંત, બેંક એટીમ કાર્ડ પણ મળી આવ્યુ છે. યુવક પાસેથી બાંગ્લાદેશમાં કરેલ અભ્યાસના સ્કૂલ સર્ટીફિકેટ અને કોલેજ ફોર્મ સહિત બેચલર ડિગ્રી સર્ટી પણ મળી આવ્યા છે.
સંપૂર્ણ હિસ્ટ્રી એકઠી કરાશે
વર્ષ 2018 માં કઈ રીતે સુરત પહોંચ્યો અને ભારતમાં ક્યારથી અને કેવી રીતે તે પહોંચ્યો હતો એ તમામ વિગતો પોલીસે એકત્ર કરવાની શરુઆત કરી છે. જેમાં પ્રાથમિક વિગતોનુસાર યુવક બાંગ્લાદેશથી પુટખલી નદી પાર કરીને રાત્રીના સમયે ભારતમાં પ્રવેશ કરી આવ્યો હતો. યુવક મહેરપુર અને હૈદરાબાદ, કર્ણાટક અને મુંબઈ થઈને સુરત પહોંચ્યો હતો. સુરતમાં તે કપડા પ્રેસ કરવાનુ કામ કારખાનાઓમાં કરતો હતો.
સુરતમાં અને સુરત બહાર બાંગ્લાદેશી યુવક કોના સંપર્કમાં હતો, એ તમામ દીશામાં પણ તપાસ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુવક અંગે સંપૂર્ણ કુંડળી મેળવવાની બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની તપાસ કરવામાં આવી રહી છે.