Breaking News: ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 21 શ્રમીકોના ઉડી ગયા ચીંથડે-ચીંથડા, દૂર દૂર સુધી ફેંકાયા માનવ અંગો
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 21 લોકોના મોત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સમગ્ર ગોડાઉનની છત પણ જમીનદોસ્ત થઈ અને અનેક શ્રમીકો તેના કાટમાળ નીચે દબાયા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે.
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત થઈ ગયુ હતુ. બ્લાસ્ટ થતા ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમીકો ગંભીર રીતે દાજ્યા હતા. જેમા 21 જેટલા શ્રમીકના શરીરના ચીંથડે-ચીંથડા ઉડી ગયા હતી. ભીષણ બ્લાસ્ટમાં દૂર દૂર સુધી માનવ અંગો ફેંકાયા હતા.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. ફેક્ટરીમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં કામ કરતા તમામ શ્રમિકો બહારથી આવેલા હતા. મૃતકોમાં 10થી વધુ પુરુષો, 4 મહિલા અને 3 સગીરનો સમાવેશ થાય છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર્સ અને 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી હતી.21 જેટલા લોકોના મોત ઉપરાંત હજુ 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. આ તમામની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
કેવી રીતે થયો બ્લાસ્ટ ?
મળતી વિગતો અનુસાર ફટાકડા બનાવવાના દારૂગોળામાં ભયાનક વિસ્ફોટ થતા આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ભયાનક બ્લાસ્ટમાં છત ઊડીને જમીનદોસ્ત થઈ હતી. જેના કારણે ગોડાઉનમાં આગ અને કાટમાળના દૃશ્યો સર્જાયા હતા. કાટમાળમાં પણ અનેક શ્રમીકોના દટાવાથી મોત થયા છે. જેમા મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બ્લાસ્ટ બાદ 200 મીટર સુધી કાટમાળ ફેલાયો હતો. જેને JCB દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફટાકડા વેચવાની મંજૂરી હતી, બનાવવાની નહીં
આ બ્લાસ્ટ બાદ ફેક્ટરી માલિક અંગે ચોંકાવનારો ખૂલાસો થયો છે. ફેક્ટરી માલિકે ફટાકડા વેચાણ માટેની મંજૂરી લીધેલી હતી અને તેમા ગેરકાયદે રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રી લાવીને ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ ફેક્ટરી ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની હોવાની વિગતો મળી રહી છે. ઘટના બાદ ફેક્ટર માલિક ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. જો કે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
શ્રમીકોના શરીરના ઉડી ગયા ચીંથડે-ચીંથડા
ફેક્ટરીમાં અચાનક દારૂગોળામાં ભયાનક બ્લાસ્ટ થતા શ્રમીકોના શરીરના એકેએક અંગના ચીંથરા ઉડી ગયા હતા. બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે એકપણ મજૂરની પુરી ડેડબોડી મળી નથી, તમામના કપાયેલા અવશેષો હાથ લાગ્યા છે. ફેક્ટરીમાં અહીં તહીં પડેલા માનવ અંગો જોવા મળ્યા હતા. મૃતકોમાં મોટાભાગના 20 થી 30 વર્ષના મજૂરો છે.
સ્વજનોનું હૈયાફાટ આક્રંદ
‘મારો દીકરો પાછો લાવો… મારે બીજુ કંઈ નથી જોઈતુ’, આ માગ સાથે ફેક્ટરીમાં ભડથુ થઈ ગયેલા મૃતકોના સ્વજનો આક્રંદ કરી રહ્યા છે. એક સ્વજન જણાવે છે કે તેમનો દીકરો છેલ્લા પાંચ વર્ષથી અહીં છૂટક કામ કરતો હતો. જો આવી ખબર હોત તો ક્યારેય કામ પર ન મોકલત. આ સ્વજનોની કમનસીબી એ છે કે રાજકોટ અગ્નિકાંડની જેમ અહીં પણ મૃતકોના મૃતદેહ સ્વજનોને ટૂકડામાં સોંપવામાં આવી રહ્યા છે. માત્ર શરીરના અંગો સ્વજનોને મળવાના છે. કેટલાક સ્વજનો તો આ સાંભળીને જ બેભાન થઈ ગયા છે.
ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાનો ઘટસ્ફોટ
ડીસા ફેક્ટરી બ્લાસ્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાનો ખૂલાસો પ્રાંત અધિકારીએ કર્યો છે. પોલીસે પણ ફેક્ટરી અંગે નેગેટિવ અભિપ્રાય આપ્યો હોવાનો ખૂલાસો થયે છે. જિલ્લા પોલીસ વડાએ પોલીસના અભિપ્રાયની જાણકારી આપી છે. પોલીસે વીડિયોગ્રાફી સાથે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. હાલ LCB, SOG અને પોલીસની ત્રણ ટીમો આરોપીઓને શોધવામાં લાગેલી છે. પોલીસની ટીમો રાજસ્થાન અને અમદાવાદ તરફ રવાના થઈ છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે પ્રાંત અધિકારીને નેગેટિવ રિપોર્ટ મળ્યો હોવા છતા 21 લોકોના મોત બાદ જ તંત્ર કેમ જાગ્યુ? બ્લાસ્ટ પહેલા ફેક્ટરી માલિક સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.
21 લોકોના મોત શું એ મજાક છે?
અહીં સવાલ એ પણ ઉપજે છે કે શું ફેક્ટરીમાં ગેરકાયદે રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા છે તેની સ્થાનિક તંત્રને કોઈ જાણકારી ન હતી. નેગેટિવ રિપોર્ટ છતા ફેક્ટરી માલિક સામે સમય રહેતા કાર્યવાહી કેમ ન થઈ? 21 લોકો મોતની બલી ચડી ગયા બાદ નિર્લજ્જ તંત્ર ખૂલાસા કરી રહ્યુ છે કે ફેક્ટરી ગેરકાયદે હતી. તો શું આ મોત માટે ફેક્ટરી માલિક જેટલુ જ સ્થાનિક તંત્ર જવાબદાર નથી?
શું આપણે રાજકોટ અગ્નિકાંડમાંથી કોઈ શીખ ન લીધી?
રાજકોટમાં પણ આખો TRP ગેમઝોન ફાયર અધિકારીઓથી લઈને મ્યનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની રહેમનજર હેઠળ ગેરકાયદે ધમધમતો હતો. અહીં પણ એ જ ઘટનાનું પૂનરાવર્તન થયુ છે. આખી ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હતી છતા તંત્રના કોઈ અધિકારીએ તેની સામે કાર્યવાહી ન કરી. આખરે કોની રહેમનજર હેઠળ આ કંપની ચાલી રહી હતી તે પણ મોટો સવાલ છે. થોડા વધુ રૂપિયા કમાવાની લ્હાયમાં ગરીબોના જીવ સાથે ક્યાં સુધી રમત રમાતી રહેશે?
Input Credit- Atul Trivedi, Dinesh Thakor- Deesa