Banaskantha : બનાસકાંઠામાં લમ્પી વાયરસનો કહેર યથાવત, વધુ આઠ પશુઓના મોત કુલ મૃત્યુઆંક 33 થયો
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસથી(Lumpy Virus) કુલ મૃત્યુઆંક 33 થયો છે. જેમાં આજે 27 ગામોમાં 324 પશુઓ લમ્પી વાયરસ સંક્રમિત થયા છે. તેમજ અત્યાર સુધી જિલ્લામાં કુલ 1934 પશુઓમાં લમ્પી વાયરસ મળી આવ્યો છે.
ગુજરાતમાં(Gujarat)પશુઓમાં ફેલાઇ રહેલા લમ્પી વાયરસનો(Lumpy Virus)કહેર બનાસકાંઠામાં (Banaskantha) પણ યથાવત છે. જેમાં આજે આઠ પશુઓના મોત થયા છે. તેમજ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 33 થયો છે. જેમાં આજે 27 ગામોમાં 324 પશુઓ લમ્પી વાયરસ સંક્રમિત થયા છે. તેમજ અત્યાર સુધી જિલ્લામાં કુલ 1934 પશુઓમાં લમ્પી વાયરસ મળી આવ્યો છે. તેમજ અત્યાર સુધી 9 તાલુકામાં 165 ગામના પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. તેમજ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા આજે 81 ગામોમાં પશુઓને રસીકરણ કરાયુ છે. જેમાં પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસને અટકાવવા પુરજોશમાં કામગીરી ચાલુ છે.
ગુજરાત સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના પશુધનને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા પશુપાલક હિતલક્ષી અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટી સ્થાપવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.
આ સમિતિ જિલ્લામાં લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ, બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનીટરીંગ કરશે. આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઇસોલેશન, વેક્સીનેશન તેમજ આનુષંગિક તમામ કામગીરી સુનિશ્ચિત કરશે. અસરગ્રસ્ત પશુઓની અવરજવર નિયંત્રિત કરવાની તેમજ પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ, રખડતા (બિનવારસી) અસરગ્રસ્ત પશુઓની દેખરેખ સહિતની કામગીરી સુનિશ્ચિત કરીને લમ્પી સ્કીન ડીસીઝના સબંધમાં સર્વેલન્સની કામગીરી કરશે તેમ વધુમાં યાદીમાં જણાવવામાં આવ્યું છે.