બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો જળસંકટના કારણે મુશ્કેલીમાં છે. ઉપરથી સુજલામ સુફલામ કેનાલ તૂટેલી છે. તંત્રની બેજવાબદારીથી કંટાળેલા ખેડૂતોએ હવે ચૂંટણી આવતા પહેલાં જ નક્કી કરી લીધું છે કે પાણી નહીં તો નેતાઓને વોટ પણ નહીં. બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટને લઈ અગાઉ અનેક આંદોલન થયા છે, ત્યારે હવે ફરી એક વાર દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. અકળાયેલા ખેડૂતોએ દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં બેઠક કરી દિયોદરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ ખેડૂતોની માગ છે કે સુજલામ સુફલામમાં ચાંગ પમ્પીંગ સેન્ટરમાંથી છ પમ્પીંગ ચાલુ કરવામાં આવે. આ સિવાય 2017થી કાંકરેજના બુકોલી નજીક બનાસ નદીના પટમાં સુજલામ સુફલામ કેનાલ તૂટેલી હાલતમાં છે તેનું સાયફન તાત્કાલિક રીપેર કરવામાં આવે. જો એમ નહીં થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો તેઓ બહિષ્કાર કરશે.