શામળાજી બાદ હવે બાયડમાંથી સાઠંબાને અલગ કરી તાલુકો રચવાની માંગ, MLA દ્વારા CM ને રજૂઆત કરાઈ
અરવલ્લી જિલ્લામાં હાલમાં છ તાલુકાઓ અમલમાં છે. અગાઉ શામળાજી તાલુકો રચવાની માંગ કરાઈ હતી, હવે સાઠંબાને પણ તાલુકો બનાવવા માટે માંગ કરાઈ છે.
અરવલ્લી જિલ્લામાં તાલુકાઓ નવા નિર્માણ કરવાની માંગ ચાલી રહી છે. પહેલા ભિલોડા તાલુકામાંથી શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે માંગ કરવામાં આવી હતી. હવે સાઠંબાને અલગ તાલુકો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નવા જિલ્લામાં 6 તાલુકાઓ અમલમાં હતા. જેમાં મુખ્ય મથક મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાનો સમાવેશ થાય છે. હવે સ્થાનિક ધારાસભ્ય દ્વારા સાઠંબા તાલુકાની માંગ કરવામાં આવી છે.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ માટે રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખીને માંગણીને ન્યાય આપવા માટે વિનંતી કરવામાં આવી છે. બાયડ તાલુકાનો વિસ્તાર મોટો હોવાને લઈ દૂરના અને અંતરિયાળ વિસ્તારના ગામડાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ જો સાઠંબાને નવો તાલુકો નિર્માણ કરવામાં આવે તો પૂર્વ પટ્ટાના ગામડાઓને રાહત સર્જાય એમ છે.
CM ને પત્ર લખી રજૂઆત કરાઈ
બાયડ તાલુકો ક્ષેત્રફળની દૃષ્ટીએ ખૂબ જ વિશાળ છે. પૂર્વથી પશ્વિમમાં તાલુકાની લંબાઈ પણ ખૂબ લાંબી છે. વિસ્તારમાં અધિકારીઓએ મુલાકાતો લેવા દરમિયાન એક થી બીજે છેડે પહોંચવામાં તેમજ તાલુકામાં વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેવામાં પણ સમયનો વ્યય વધારે થઈ રહ્યો છે. તો વળી ખેડૂતો અને સ્થાનિક લોકોને પણ દૂર દૂરથી બાયડ તાલુકા મથકે પહોંચવામાં ધક્કા ખાવા પડી રહ્યા છે. જેને લઈ આ મામલે હવે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.
બાયડના અપક્ષ ચુંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી છે. ધારાસભ્યએ લખ્યુ છે કે, વિસ્તારના ખેડૂતોએ લાંબા અંતરને લઈ વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમજ તાલુકાની વસ્તી વધારે હોવાને લઈ કામનુ ભારણ વધારે રહે છે. જો બાયડ તાલુકામાંથી નવા તાલુકા તરીકે સાઠંબાને નવા તાલુકા તરીકે ફાળવણી કરવામાં આવે તો, વિકાસ માટેની કામગીરી સરળતાથી અને ઝડપી બની શકે એમ છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા માંથી સાઠંબાને અલગ તાલુકા તરીકેનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ ને પત્ર લખીને માગણી કરી…#Sathmba #Bayad pic.twitter.com/5UTuDNBtVW
— Dhavalsinh Zala (@DhavalsinhZala_) February 2, 2023
શામળાજીને પણ તાલુકો બનાવવાની માંગ
રજૂઆતની જાણકારી સ્થાનિક મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારને પણ કરવામાં આવી છે. જેથી માંગણી સંદર્ભે કાર્યવાહી ઝડપી બની શકે છે. આ પહેલા શામળાજીને પણ અલગ તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી છે. શામળાજીમાં પ્રસિદ્ધ શામળાજી મંદિર આવેલુ છે અને અહી લોકોની અવરજવર વધારે રહે છે. આ ઉપરાંત ભિલોડાથી પૂર્વ પટ્ટાના વિસ્તારના સરહદી ગ્રામ્ય વિસ્તારો દૂર હોવાને લઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ શામળાજીને અલગ તાલુકાની માંગ કરવામાં આવી રહી છે.
હવે બાયડમાંથી વિભાજન કરીને સાઠંબાને અલગ તાલુકાની માંગ સાથે શામળાજીને પણ અલગ તાલુકો રચી જિલ્લામાં છથી વધારીને આઠ તાલુકાઓ સુધીની સંખ્યા કરવાની માંગ વધી શકે છે.