Anand: સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ દ્વારા લોકોને સ્તન કેન્સર (Breast Cancer) અંગે જાણકારી અને તેની સારવાર માટે કયા પગલા લેવા જોઇએ તે અંગે માહિતી આપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં સ્તન કેન્સરનું (Breast cancer) પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે આણંદ (Anand) જિલ્લાના બીજલ પટેલ ફાઉન્ડેશન અને સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University) દ્વારા આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે જ 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન બ્રેસ્ટ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં આશરે 80 જેટલી મહિલા માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો કોઈ મહિલાને આ કેમ્પમાં કેન્સર જણાશે તો બીજલ ફાઉન્ડેશન તેનો સમગ્ર ખર્ચ આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાના કારણો વિશે માહિતી અપાઇ
આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના ડો. ઉત્પલા ખારોડે સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાના વિવિધ કારણોસર વિષે મહિલાઓને માહિતગાર કર્યા હતાં. તેઓએ મહિલાઓ દ્વારા પોતાના સ્વાસ્થ્યને કેવી રીતે જાળવવું તેના વિષે વાત કરી હતી. તેઓને આ વિષે વાત કરતાં કહ્યું હતુંકે સ્ત્રીઓ પોતાના સ્તનનું દર્દ કોઈને કહી શકતી નથી. એક તારણ એવું પણ છે કે ગ્રામીણ સ્ત્રીઓ કરતાં શહેરી સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાની શક્યતા વધારે છે. આ બીમારી સામે ડરવા કરતાં માનસિક રીતે મજબૂત બની લડવું પડશે. આ પ્રકારના કાર્યક્રમ સમાજમાં જાગૃતિ લાવશે.
‘ઇલાજ કરતાં નિવારણ સારું’ ની વ્યૂહરચના
બીજલ ફાઉન્ડેશન વિષે મેઘાબેન જોશીએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, મહિલા સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આ જીવલેણ રોગ સામે લડવા માટે ‘ઇલાજ કરતાં નિવારણ સારું’ ની વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે USએ સ્થિત બીજલબેનનું આ રોગને કારણે નાની ઉંમરે અવસાન થયું હતું અને તેમનો પરિવાર તેમની યાદમાં દર મહિને બ્રેસ્ટ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરે છે. સુમીબેન પટેલ પોતાની દીકરીના અવસાન બાદ 79 વર્ષની ઉમરે આ કામ સમાજ માટે શરૂ કર્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ દ્વારા લોકોને સ્તન કેન્સર અંગે જાણકારી અને તેની સારવાર માટે કયા પગલા લેવા જોઇએ તે અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી પોતાની સામાજિક જવાબદારી સમજીને આ પ્રકારના કાર્યક્રમને આવકારે છે. આગામી સમયમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં પણ સરદાર પટેલ યુનિવર્સિટી પોતાનું યોગદાન આપશે. યુનિવર્સિટી હંમેશા સમાજ સાથે જોડાવવાનો પ્રયત્ન કરે છે.