‘આણંદનું ગૌરવ’ નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીનું મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન
દેશન અનેક લોકો દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદના જાણીતા તત્વચિંતક , લેખક અને પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીનું પણ મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
આણંદના જાણીતા તત્વચિંતક , લેખક અને પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીને તેમની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપલક્ષમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી જે સંતો અને મહાનુભાવો દ્વારા ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તેમને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું. સંસ્કૃતિ ટકશે તો દેશનો વિકાસ યોગ્ય દિશામાં ફળીભૂત થઈ શકશે તેવા વિચારને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સંસ્કૃતિ માટે તલસ્પર્શી કાર્ય કરનાર લોકોને પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું.
જે ગૌરવવંતો પુરસ્કાર જૈન સંત પદ્મભૂષણથી સન્માનિત પૂજ્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબ ,સ્વામી પરમાત્માનંદજી ની સાથે એવી યુવા પ્રતિભાવોને પણ આપવામાં આવ્યો કે જેમણે પોતાનું જીવન ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વિભિન્ન રીતે સમર્પિત કર્યું છે.
આણંદના જાણીતા તત્વચિંતક, લેખક ચૈતન્ય સંઘાણીને તેમના દ્વારા કરવામાં આવતી અનેક આધ્યાત્મિક ,સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી, જાણીતી ટીવી સિરીઝના માધ્યમથી જેવા અનેક માધ્યમો દ્વારા ચૈતન્ય સંઘાણીએ ભારતીય જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાની ઝુંબેશ ચલાવી છે. સમગ્ર ગુજરાતના અનુસંધાને આ પુરસ્કાર પ્રાપ્ત કરીને એક સરકારી અધિકારી તરીકે ચૈતન્ય સંઘાણીએ આણંદ જિલ્લા સરકારી આલમનું ગૌરવ પણ વધાર્યું છે.
આ પણ વાંચો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
સમાજના અન્ય અનેક લોકો આવા સાંસ્કૃતિક યોદ્ધાઓ માંથી પ્રેરણા લઈને વધુ ઉત્તમ કાર્ય કરી શકે તથા સમાજના નાનામાં નાના વ્યક્તિને પણ સાંસ્કૃતિક યોદ્ધા બનવાની પ્રેરણા મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ નવીન ઐતિહાસિક પુરસ્કાર અર્પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.