અષાઢ વદ એકમ 2078 “ ગુરુવારનાં રોજ આણંદ (Anand) જિલ્લાના ઉમરેઠનાં અતિપ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઢી (Ashadhi) તોલવામાં આવી હતી. જેના આધારે આ વર્ષ કેવું રહેશે તેનો વરતારો (forecast) આપવામાં આવે છે. અષાઢીના વર્તારા પ્રમાણે આવનાર વર્ષ અઢાર આની રહેશે એટલે કે ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબજ સારો થશે એવો વરતારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે. તલ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબજ સારો રહેશે. ડાંગરનું પ્રમાણ વધારે હોવાથી તેનો પાક અને આધારીત વરસાદ પણ ખૂબ જ સારો રહેશે. આ સાથે માટી ત્રણ રતી ઓછી છે એટલે કે મૃત્યુનું દર વધારે ગણી શકાય.
ઉમરેઠ એ અતિપ્રાચીન નગરી છે ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. કાશી અને ઉમરેઠની ઘણી બધી સામ્યતા છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે.
અષાઢીનો વર્તારો
ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત તમામ વસ્તુઓ એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ વદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં થોડી વધઘટ થઈ જાય છે. આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને અષાઢી કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડૂતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવતા હોય છે. આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે અને આ વરતારાના આધારે ચાલું વર્ષમાં કયા અનાજનું વાવેતર કરવું તે નક્કી કરતા હોય છે.