Anand: બાકરોલમાં સારવાર માટે આવેલી મહિલાને બેભાન કરી ડોક્ટરે શારીરિક સંબંધ બાધી વીડિયો ઉતાર્યો, બ્લેકમેઇલ કરી 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
પરિણીતા ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે આવી હતી ત્યારે ડોક્ટર રીતેશ પટેેલે ચેકઅપ દરમ્યાન બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ દરમિયાન ડોક્ટરે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો.
આણંદ (Anand) ના બાકરોલમાં ડોક્ટર (Doctor) દ્વારા મહિલા (Woman) સાથે દુષ્કર્મની ઘટના સામે આવી ચૂકી છે. આરાધના હોસ્પિટલ (Hospital) ના તબીબ સામે દુષ્કર્મન આચર્યું હોવાની ફરિયાદ પોલીસ (Police) સ્ટેશનમાં નોંધાઈ છે. જેની સામે આરોપ મૂકવામાં આવ્યો છે તે ડોક્ટર બાકરોલની મહિલા સાથે છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો. ત્રણ વર્ષ અગાઉ પ્રથમ વખત મહિલા સારવાર લેવા જતાં ડોક્ટરે બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ દરમિયાન તબીબે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ વીડિયો જાહેર કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે પીડિત મહિલાએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાનગર પોલીસે મહિલાની ફરિયાદ લઇ ફરાર ડોક્ટરની તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આણંદ પાસેના બાકરોલ ગામે રહેતા અને બાકરોલ ગેટ નજીક આરાધના નામથી હોસ્પિટલ ચલાવતા ગાયનેક તબીબ ડૉ. રીતેશ બી. પટેલની હોસ્પિટલ ખાતે વિદ્યાનગર ખાતે રહેતી અને બેંકમાં ફરજ બજાવતી એક પરિણીતા વર્ષ-2018માં ચેકઅપ અર્થે આવી હતી. ત્યારબાદ આ પરિણીતા ડોક્ટર પાસે હોસ્પિટલમાં અવાનવાર અપોઈન્ટમેન્ટ લઈ ચેકઅપ કરાવવા માટે આવતી હતી. દરમિયાન ડોક્ટર રીતેશ પટેેલે ચેકઅપ દરમ્યાન બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ દરમિયાન ડોક્ટરે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો મહિલાના પ્રોફેસર પતિને બતાવી દેવાની ધમકી આપી આ લંપટ ડોક્ટરે પરિણીતાને બ્લેકમેઇલ કરવનાનું શરૂ કર્યું હતું. દરમિયાન ડોક્ટર આ પરિણીતાને નડિયાદની એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં આ વીડિયો બતાવી તાબે થવા જણાવ્યું હતું અને તેણીને બ્લેકમેઈલ કરી વીડિયો વાઈરલ કરી ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યાર બાદ અલગ અલગ સમયે તબીબે આ પરિણીતાને બાકરોલ ખાતેની પોતાની હોસ્પિટલમાં, નડિયાદ તથા વિદ્યાનગરના અલગ-અલગ સ્થળે લઈ જઈ તેણીની મરજી વિરુધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાએ પોતાના પરિવારજનોને જાણ કરતા ડોક્ટરે લાજવાને બદલે ગાજ્યો હતો અને પરિણીતાની બહેન તથા પ્રોફેસર પતિને તબીબ રીતેશ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે પરિણીતાએ આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ડૉ. રિતેશ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.