અમૂલે દૂધના ભાવમાં કર્યો ફરી વધારો, 17 ઓગસ્ટથી બનશે અમલી, જાણો કયા દૂધનો કેટલો થશે ભાવ ?
છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા ચારનો વધારો કર્યો છે. તો દૂધની બનાવટ ઉપર લાદવામાં આવેલ 5 ટકા જીએસટીને કારણે દૂધની વિવિધ બનાવટ ઉપર 19 જુલાઈથી વધારો કરાયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં છેલ્લે 1 માર્ચ 2022ના રોજ પ્રતિ લિટરે 2 રૂપિયા વધાર્યા હતા.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul Federation), કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ 17ઓગસ્ટ 2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ 17 ઓગસ્ટ 2022 થી 500 મિલી અમૂલ ગોલ્ડનો (Amul Gold) ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. 25 અને 500 મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. 28 પ્રતિ થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ 4% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.
ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત 20% જેટલો વધારો થયેલ છે. ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9% જેટલો વધારો કર્યો છે. અમૂલ દ્વારા દુધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો, 17 ઓગસ્ટથી અમલી બનશે.
અગાઉ અમૂલે 1 માર્ચ 2022થી 2 રૂપિયાનો કર્યો હતો વધારો
અમૂલે નજીકના ભૂતકાળ એટલે કે, 1 માર્ચ 2022ના રોજથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. 1 માર્ચ 2022થી અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂા.30 કરાયા હતા. અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂા.24 અને અમૂલ શક્તિ દૂધની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 કરાયા હતા.
દુધની પ્રોડક્ટ પર 5 ટકા GST લાદવામાં આવતા 19 જુલાઈએ વધ્યા હતા આ પ્રોડક્ટના ભાવ
અમૂલ દહીના 400 ગ્રામના પાઉચ ઉપર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ નવો ભાવ 32 થયો છે. આજ રીતે મસ્તી દહીના 1 કિલોના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 170 મીલી છાશમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં (Procurement Price) 10 રૂપિયાનો વધારો કરીને પશુ પાલકોને મોટી રાહત આપી હતી. આ સાથે જ અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 740 રૂપિયા કર્યો હતો. જે ભાવ અગાઉ 730 રૂપિયા હતો. અમૂલ ડેરીએ કરેલા નિર્ણયનો સીધો લાભ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મળ્યો છે.
With input Dharmendra Kapasi (Kheda-Anand)