અંધાપાકાંડને લઈને અમરેલી શાંતાબા હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ, પૂછપરછનો દોર યથાવત
Amreli: શાંતાબા હોસ્પિટલમાં અંધાપાકાંડ મામલે આરોગ્ય ટીમે તબીબોની પૂછપરછ શરૂ કરી છે. દર્દીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. મોતિયાના ઓપરેશન બાદ 12થી વધુ દર્દીઓએ તેમની દૃષ્ટિ ગુમાવી છે.
અમરેલીની શાંતાબા સરકારી હોસ્પીટલમાં મોતિયાના ઓપરેશન બાદ 12 જેટલા દર્દીઓની આંખોની રોશની ગુમાવતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આરોગ્ય વિભાગની ટીમે શાંતાબા હોસ્પિટલમાં તબીબો સાથે બેઠક યોજી હતી. ઓપરેશન કરનાર શાંતાબા હોસ્પિટલના તબીબોની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ ટીમે હજુ સુધી દર્દીઓ સાથે કોઈ મુલાકાત કરી નથી. જો કે રોશની ગુમાવેલા દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશ છે. મોતિયાના ઓપરેશન બાદ 12થી વધુ દર્દીઓએ આંખની રોશની ગુમાવી છે.
મોતિયાના ઓપરેશન બાદ 12 જેટલા દર્દીઓને આંખે દેખાતુ બંધ થયુ
દર્દીઓનુ કહેવુ છે કે ઓપરેશન બાદ બીજા દિવસે પાટો ખોલ્યા બાદ તેમને કંઈ દેખાતુ ન હતુ. કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ છે કે તેમની યાદ શક્તિ પણ જતી રહી છે. રોશની ગુમાવેલા કેટલાક દર્દીઓને રાજકોટ, કેટલાકને અમદાવાદ અને કેટલાકને ભાવનગર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. દર્દીઓના સ્વજનનો સીધો આરોપ છે કે મહિલા તબીબે આ તમામ દર્દીઓનુ ઓપરેશન કર્યુ હતુ અને ઓપરેશન બાદ તેમને દેખાતુ બંધ થયુ છે.
આંખોની રોશનીની સાથે કેટલાક દર્દીઓની યાદશક્તિ પણ જતી રહી હોવાની ફરિયાદ
ઓપરેશન બાદ આંખમાં રસી થયા અને સોજો આવવાની દર્દીની ફરિયાદ છે. કેટલાક દર્દીઓની યાદ શક્તિ પણ જતી રહી હોવાની ફરિયાદ છે. ઓપરેશન કર્યા બાદ આંખે થોડુ પણ દેખાતુ નથી. તેવી પણ દર્દીઓની ફરિયાદ છે. આ સમગ્ર અંધાપાકાંડ મામલે તપાસ ટીમ નિમવામાં આવી છે. ગઈકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે સુડો મોનાર્ક બેક્ટેરિયાથી આંખમાં ઈન્ફેક્શન થયુ હોવાનુ જણાઈ રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે 2 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થયા છે અને બાકીના દર્દીઓમાં પણ ઝડપી રિકવરીના આસાર છે અને સારવાર શરૂ છે. જેમા 6 દર્દીને એમ.એન.જે.માં 2 દર્દીઓને નગરી હોસ્પિટલમાં અને 2 દર્દીઓની ભાવનગરમાં સારવાર ચાલી રહી છે. દર્દીઓની રોશની ન જાય તે પ્રકારની સારવાર ચાલી રહી છે.
સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો લુલો બચાવ- ‘દર્દીઓએ ઓપરેશન બાદ બેદરકારી દાખવી’
આ તરફ અમરેલી સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ જણાવે છે કે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને સ્વકાળજી લેવાની હોય છે. જેમા તેઓએ બેદરકારી દાખવી હતી. જેનાથી આંખનું ઈન્ફેક્શન ફેલાયુ છે. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ લુલો બચાવ કરી રહ્યા છે. જો કે એ માની શકાય કે કોઈ એક દર્દીએ ઓપરેશન બાદ બેદરકારી રાખી હોય પરંતુ શું 12 જેટલા દર્દીઓએ સામૂહિક બેદરકારી દાખવી અને તેના કારણે તેમને આંખમાં ઈન્ફેક્શન થયુ અને અંધાપો આવ્યો ? એવો સવાલ પણ અહીં ઉદ્દભવે છે.