Amreli: શિયાળબેટ ગામના લોકોની પાણીની સમસ્યાનો આવશે અંત, પીવાના પાણીની દરિયાના પેટાળમાંથી પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણતાને આરે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ચારે તરફ દરિયાની વચ્ચે આવેલા શિયાળ બેટ ગામના લોકોની પાણીની સમસ્યાનો અંત આવશે અને ભર ઉનાળે તેમણે પીવાના પાણી વિના ટળવળવુ નહીં પડે. શિયાળબેટમાં સવા ત્રણ કરોડના ખર્ચે દરિયાના પેટાળમાંથી પીવાના પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે અને 15 દિવસમાં ગામના લોકોને પાણી મળતુ થઈ જશે તેવો દાવો ખુદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કર્યો છે.
અમરેલીના જાફરાબાદ તાલુકામાં દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળબેટ ગામમાં વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દરિયાની અંદર પાઈપલાઈન નાખવામાં આવી હતી. જેમાં મહિપરી યોજનાનું પીવાનું મીઠુ પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ. પરંતુ તાઉતે વાવાઝોડામાં આ પાઈપલાઈન ડેમેજ થતા શિયાળબેટના લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા આ ડેમેજ પાઈપલાઈનના સમારકામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જો કે એજન્સીઓ દરિયાકાંઠે કામ કરવા તૈયાર ન હતી. આથી પાણી પહોંચાડી શકાયુ ન હતુ. હાલમાં આ પાઈપલાઈનના સમારકામ માટેની કામગીરી પૂર્ણતાને આરે છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સવા ત્રણ કરોડના શિયાળબેટને પાણી પહોંચાડવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. જેનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.
સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી, તળાજાના ધારાસભ્ય ગૌતમ ગુજરિયા સહિત સ્થાનિક આગેવાનો અને પાણી પૂરવઠાના અધિકારીઓ બોટ દ્વારા મધદરિયે શિયાળબેટ પહોંચ્યા હતા. અહીં 280 મીમી વ્યાસની HDPE પાઈપલાઈન નાખવામાં આવી છે. સરકાર દ્વારા 326.43 લાખની યોજનાનું કામમાં ખાતમુહુર્ત કર્યુ હતુ. જો કે લાંબા સમય બાદ શિયાળબેટને પીવાનું પાણી મળવા જઈ રહ્યુ છે.
ગામના સરપંચ હમીર સોલંકીના જણાવ્યા મુજબ શિયાળબેટને પીવાનું પાણી પહોંચાડવા માટે પાઈપલાઈન નાખવાની કામગીરી દરિયાઈ પેટાળમાં કરવાની હોવાથી એજન્સી માટે પણ અત્યંત કઠિન કામ હતુ. પરંતુ આ કામગીરીમાં ગામલોકોએ પણ પુરતો સહકાર આપતા કામગીરી હાલ પૂર્ણતાને આરે છે.
અત્યાર સુધીમાં ગામમાં 800 ઉપરાંત ઘરોને કનેક્શન આપી દેવાયા છે. જેના કારણે ઘર ઘર સુધી મધદરિયે આવેલ શિયાળબેટ ગામમાં મીઠુ પાણી પહોંચશે. જેથી ગામલોકોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને ઉનાળા દરમિયાન જ તેમને પીવાનુ પાણી મળતુ થઈ જશે.
આ પણ વાંચો: Gujarati Video: પ્રવાસીઓના જીવ થયા અદ્ધર, સિંહ દર્શન માટે આવેલા લોકોની જીપ નજીક પહોંચી ગઈ સિંહણ, જુઓ Video
શિયાળબેટ એક એવુ ગામ છે અહીં રોડ રસ્તા નથી. માત્ર દરિયાઈ માર્ગ જ છે જેના કારણે શિયાળ બેટ ગામમાં આવનજાવન કરવા માટે દરિયામાં બોટ દ્વારા જ જવુ પડે છે. રાજ્ય સરકારે ગામની પીવાના પાણીની સમસ્યાની પણ ગંભીર નોંધ લીધી હતી અને દરિયાઈ પેટાળમાંથી પણ પીવાના પાણીની પાઈપલાઈન પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- રાજુલા, અમરેલી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…