Amreli: બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજો રહેશે બંધ, નીચાણવાળા ગામડાઓને એલર્ટ
અમરેલીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર (Flood) આવ્યા છે. દરમિયાન14- 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી (Amreli)અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપી છે.
ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ (Rain) રહેવાની હવામાન વિભાગે આગાહી (forecast) આપી છે. લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન અમરેલીમાં આજે પણ ભારે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ પડતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલી : આગામી બે દિવસ અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગાહીના પગલે 14 અને 15 જુલાઇએ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી આપી માહિતી. #Amreli #Gujarat #Monsoon2022 pic.twitter.com/S9f22R1b7a
— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2022
બગસરામાં તણાઈ ભેંસો
અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને વહેલી સવારથી બગસરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો. લુઘીયા, સાપર ભાડેર, મોણવેલ અને ચુડાવડ ગામમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો લુઘીયા અને ચુડાવડની સાતલડી નદી બે કાંઠે વહી રહી છે. જેમાં અમરેલીના બગસારમાં લુંઘીયા ગામે નદીમાં આવેલા પૂરમાં ભેંસો તણાઈ ગઈ હતી. તેનો વીડિયો સામે આવ્યો હતો.
શેત્રુંજી નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામડાઓ એલર્ટ પર
ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધારીના સરસિયા, જીરા, દેવડા, ખીચા, દલખાણીયા, ગોવિંદપુર, કુબડા, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો અને ધારી સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ ગાંડીીતૂર બની હતી. ધારીના મીઠાપુર ગામની શેત્રુંજી નદીમાં પૂર વધતા તેમજ પાણીની ભારે આવક થતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દલખાણીયા, ગોવિંદપુર, કુબડા સહિતના ગીર કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.