અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ જેની ઠુમ્મરને ઉતારશે મેદાને, લેઉવા પાટીદાર ચહેરા પર કોંગ્રેસે ઉતારી પસંદગી
અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેની ઠુ્મ્મરની પસંદગી કરી છે. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. આ ઉપરાંત હાલ તેઓ સૌરાષ્ટ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત છે.
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચારની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરીએ તો કોંગ્રેસે ગુજરાતની 26 પૈકી 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. જો કે હજુ આ 18 નામોમાંથી કેટલાકની સત્તાવાર રીતે ઘોષણા નથી કરાઈ પરંતુ આ ઉમેદવારોને હાઈકમાન્ડ તરફથી સૂચના આપી દેવામાં આવી છે. અમરેલી બેઠકની જો વાત કરીએ તો કોંગ્રેસ આ લોકસભા ચૂંટણીંમાં જેની ઠુમ્મરને અહીંથી ચૂંટણી લડાવશે.
કોણ છે જેની ઠુમ્મર ?
જેની ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુમ્મરના પુત્રી છે. વિરજી ઠુમ્મર વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલી બેઠક પરથી કોંગ્રેસના લોકસભા સાંસદ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લાઠીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વિરજી ઠુમ્મર અમરેલી જિલ્લા કોંગ્રેસના કદાવર નેતા ગણાય છે. તેમના પુત્રી જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. આ ઉપરાંત તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. હાલ કોંગ્રેસમાં તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. અમરેલીમાં ભાજપમાંથી ગીતાબેન સંઘાણીના નામની ચર્ચા છે ત્યારે કોંગ્રેસે પણ મહિલા અને લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે.
જેની પટેલને અમરેલી લોકસભા બેઠક પરથી હાઈકમાન્ડની લીલી ઝંડી મળી ગઈ છે. સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમણે કાર્યકરોને મોં મીઠા કરાવ્યા હતા. જેની ઠુમ્મરના નામની પસંદગી થતા સાવરકુંડલા કોંગ્રેસના કાર્યકરોમાં પણ ખુશી જોવા મળી છે.
અન્ય લોકસભા બેઠકની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસે 10 બેઠકો પર સત્તાવાર રીતે ઉમેદવારોની નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે અન્ય 8 બેઠકો એવી છે જ્યાં ફોન કરીને જાણ કરી દેવાઈ છે. જેમા
- કોંગ્રેસ – આણંદ- અમિત ચાવડા
- કોંગ્રેસ – છોટાઉદેપુર – સુખરામ રાઠવા
- કોંગ્રેસ – સાબરકાંઠા – તુષાર ચૌધરી
- કોંગ્રેસ – રાજકોટ – પરેશ ધાનાણી
- કોંગ્રેસ – પંચમહાલ – ગુલાબસિંહ ચૌહાણ
- કોંગ્રેસ – ખેડા – કાળુસિંહ ડાભી
- કોંગ્રેસ – સુરત – નિલેશ કુંભાણી
- કોંગ્રેસ – અમરેલી – જેની ઠુમ્મર
- કોંગ્રેસ – પાટણ – ચંદનજી ઠાકોર
- કોંગ્રેસ – પોરબંદર – લલિત વસોયા
- કોંગ્રેસ – કચ્છ – નીતિશ લાલન
- કોંગ્રેસ – બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર
- કોંગ્રેસ – અમદાવાદ પશ્ચિમ – ભરત મકવાણા
- કોંગ્રેસ – બારડોલી – સિદ્ધાર્થ ચૌધરી
- કોંગ્રેસ – વલસાડ – અનંત પટેલ
આ ઉપરાંત નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ સામે મુમતાઝ પટેલનું નામ ચર્ચાઈ રહ્યુ છે. તેમજ રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીના નામની ચર્ચા છે. જો કે પરેશ ધાનાણીની વ્યક્તિગત એવી ઈચ્છા નથી કે તેઓ ચૂંટણી લડે. જો કે હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. રાજકોટ બેઠક પર કોંગ્રેસનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી.
I.N.D.I.A. ગઠબંધન અંતર્ગત બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ફાળે જવાથી ભાવનગર બેઠક પરથી ભાજપના નીમુબેન બાંભણિયાની સામે ઉમેશ મકવાણા મેદાને છે, જ્યારે ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાની સામે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપ નેતા ચૈતર વસાવા મેદાને છે.
આ પણ વાંચો: એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં સુઓમોટો, રેલવે વિભાગ સામે કરી લાલ આંખ, જુઓ Video