માલપુર પાસે અંબાજી પદયાત્રીઓને અકસ્માત, 7 ના મોત
મૃતકો પંચમહાલ જિલ્લાના કાલોલ વિસ્તારના
અરવલ્લી જિલ્લાના માલપુર (Malpur) નજીક એક કાર ચાલકે અંબાજી (Ambaji) જતા પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની ઘટના ઘટી છે. માલપુર PSI આરએમ ડામોરે ટીવી9 સાથેની વાતચીતમાં ઘટનામાં 7 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનુ કહ્યુ છે, જેમાં 6 પદયાત્રીઓ ના મોત નિપજ્યા છે. 9 જેટલા ઘાયલોને માલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં તમામ ઘાયલોને હિંમતનગર સિવિલમાં રિફર કરાયા હતા. પંચમહાલ (Panchmahal) ના કાલોલ તાલુકાના અલાલી ગામના આ પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા એ દરમિયાન વહેલી સવારે માલપુર નજીક એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એક સ્થાનિક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે. જે વહેલી સવારે ત્યાંથી પસાર થવા દરમિયાન પદયાત્રીઓ સાથે કાર ચાલકે તેને પણ અડફેટે લીધો હતો.
માલપુરના કૃષ્ણપુરા નજીક શામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પરથી પદાયાત્રીઓ અંબાજી જવા માટે પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી. ઘટનામાં કારનો ચાલક પણ ગંભીર રીતે ઘવાયો છે અને તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતી નિયંત્રીત હોવાનુ તબીબી સૂત્રો દ્વારા વિગતો આવી રહી છે. માલપુર પોલીસ અને મોડાસા DySP નિસર્ગ પટેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. કાર ચાલક સહિતની તમામ વિગતો એકઠી કરવામાં આવી રહી છે, અને આ ઘટના કેવી રીતે ઘટી એ માટેની તપાસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે દ્વારા ઘટના અંગે એફએસએલ અને વાહન વ્યવહાર નિરીક્ષક દ્વારા પણ ઘટના અભિપ્રાય મેળવીને ઘટના અંગે આરોપી કાર ચાલક સામે તપાસ હાથ ઘરાશે.
7 dead as speeding car rams ‘padyatris’ in #Aravalli #Gujarat #TV9News pic.twitter.com/TE9kupGUhr
— Tv9 Gujarati (@tv9gujarati) September 2, 2022
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે અને આ માટે તેઓએ સહાયની પણ જાહેરાત કરી છે. તમામ મૃતકોને 4 લાખ રુપિયા રાજ્ય સરકાર સહાય આપશે, તેમજ ઘાયલોને 50 હજાર રુપિયાની સહાય કરાશે. મુખ્યપ્રધાને ટ્વીટ કરીને આ અંગે સંવેદના વ્યક્ત કરતા પરિવારજનોને સહાય અંગેની જાણકારી આપી હતી.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022