એ દિવસ હતો 19 જૂલાઈ 2023…. સમય હતો મધરાત્રિનો…. સ્થળ હતુ અમદાવાદનો ઈસ્કોન બ્રિજ… જ્યાં પહેલેથી એક થાર ગાડીનો અકસ્માત થયેલો હોવાથી કેટલાક લોકો ટોળે વળેલા હતા અને એ સમયે જ એક 160ની સ્પીડે જેગુઆર કાર આવી અને આ ટોળે વળેલા 20 થી 25 લોકોને ફંગોળતી ગઈ.. કેટલાક લોકો કારની નીચે કચડાયા તો કેટલાક દૂર સુધી હવામાં ફંગોળાયા..અને આસ્ફાલ્ટની બનેલી આ સડક લોકોના લોહીથી રંગાઈ ગઈ, . અહીંથી કલ્પી ન શકાય તેવી મરણચીસો ઉઠી અને ઘટના સ્થળે જ 9 લોકોના દર્દનાક મોત નિપજ્યા. આ અકસ્માત સર્જનાર તથ્ય પટેલ એ સમયે નશામાં ધૂત હોવાનુ તપાસમાં સામે આવ્યુ. છેલ્લા એક વર્ષથી આ અકસ્માતની તપાસ ચાલી રહી છે પરંતુ તંત્રને એ 9 લોકોના મોતની જાણે કંઈ પડી જ નથી. અકસ્માત સર્જાયો ત્યારે બ્રિજ પરની લાઈટો પણ બંધ હાલતમાં હતી અને એકપણ સીસીટીવી કેમેરા લાગેલા ન હતા, એ સમયે ઘટનાસ્થળ પર હાજર એક બાઈકચાલકના કેમેરામાં આ અકસ્માતના દૃશ્યો કેદ થયા હતા. આજે આ અકસ્મતાના એક વર્ષ બાદ પણ તંત્રએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો નથી અને લાપરવાહીની હદ એ છે કે આજેપણ ટ્રાફિકથી ધમધમતા આ બ્રિજ પર એકપણ સીસીટીવી કેમેરા લાગેલા નથી.
શહેરમાં 19 જૂલાઈની એ રાત્રે સર્જાયેલા એ દર્દનાક અકસ્માતને આજે પણ ભોગ બનનાર લોકો ભૂલી શક્યા નથી અને આજે પણ પૂરઝડપે આવતી કારની લાઈટો આંખ સામે દેખાય છે અને ઝબકીને જાગી જાય છે. આજે પણ લોકોની ચિચિયારીઓ અને બચાવો… બચાવોની બૂમો કાનમાં પડઘાયા કરે છે પરંતુ નિંભર બની ગયેલુ તંત્ર હરહંમેશની જેમ જવાબદારીમાંથી છટકી રહ્યુ છે. અકસ્માત સર્જાયા પછી એક મહિના સુધી શહેરના તમામ બ્રિજ પરના સીસીટીવીની ચકાસણીનું નાટક કરવામાં આવ્યુ. છેલ્લા એક વર્ષથી CCTV પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલી કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને અધિકારીઓને તેની કંઈ પડી જ નથી. આટલા મોટા અકસ્માત બાદ પણ ટ્રાફિક અને નેશનલ હાઈવે ઓથોરિટીએ તેની કામગીરીમાં બેદરકારીની હદ વટાવી દીધી છે. આજે શહેરના મોટા કહેવાતા 81 બ્રિજ પૈકી 70 બ્રિજ પર CCTV કેમેરા લગાવેલા છે. જેમાંથી માત્ર 40 બ્રિજ પર જ આ કેમેરા કાર્યરત સ્થિતિમાં છે. ટ્રાફિક અને AMCના કૂલ 663 કેમેરા બંધ હાલતમાં છે. સમગ્ર તથ્યકાંડ એક બાઇકરના કેમેરામાં કેદ થયો હતો અને બાઇક ચાલકના ફુટેજને જ ઘટનાને પુરાવા તરીકે ઉપયોગમાં લેવાયા હતા. હવે તંત્ર ક્યારે જાગશે અને બ્રિજ પર સીસીટીવી લગાવશે તો મોટો સવાલ છે.
અમદાવાદમાં તથ્યકાંડ સર્જાયો એ બાદ 11 મહિનામાં કૂલ 1300 અકસ્માત થયા છે, જેમા 400થી વધુ લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યુ છે. આ તમામ અકસ્માતની ઘટનાઓમાં 20 ટકા હિટ એન્ડ રનની નોંધાઈ હતી. એટલે કે 260 અકસ્માત હિટ એન્ડ રનના નોંધાયા હતા. જેમા કુલ 285 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તથ્યકાંડ બાદ મોટાપાયે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે લોકોના રોષને ખાળવા માટે શહેરના તમામ કાફેમાં સતત એક મહિના સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ હતી. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવતા આ બ્રિજ પર હજુ સુધી સીસીટીવી લગાવાયા નથી ત્યારે તંત્ર શું હજુ કોઈ મોટા અકસ્માતની રાહે છે તે પણ મોટો સવાલ છે
Published On - 2:36 pm, Sat, 20 July 24