અમદાવાદની સુંદરતામાં ઉમેરાશે વધુ એક નજરાણુ, વિશ્વના સૌથી ઊંચા મંદિરનુ થશે નિર્માણ
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે બની રહેલા મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહનો આધાર તૈયાર થઈ ગયો છે. આ મંદિર વિશ્વનું સૌથી ઉંચુ મંદિર બનવા જઈ રહ્યુ છે.
અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે. 1500 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર 504 ફૂટ ઊંચું અને 400 ફૂટ લાંબુ હશે. મંદિરમાં 51 ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે બની રહેલા મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહનો આધાર તૈયાર થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે, 2026 માં મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જે બાદ તેને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
અનેક રીતે ખાસ હશે આ મંદિર
આ મંદિર અનેક રીતે ખાસ હશે.તેની ડિઝાઇન જર્મન અને ભારતીય આર્કિટેક્ટ્સ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે.ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર મંદિરમાં 1440 સ્તંભો સ્થાપિત કરવામાં આવશે.જે પણ એક રેકોર્ડ હશે. અગાઉ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં 800 સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મંદિર પરથી આખું અમદાવાદ દેખાશે
આ મંદિરમાં 300 ફૂટની ઉંચાઈ પર વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાંથી આખું અમદાવાદ જોઈ શકાશે. ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર મંદિરનું કામ પૂર્ણ થયા બાદ જર્મનીની ટીમ અહીં આવશે અને મંદિર કેટલું મજબૂત બન્યું છે તેની તપાસ કરશે. આ માટે ટેસ્ટિંગ કરવામાં આવશે. જે બાદ જ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ મંદિરમાં દર્શન માટે ન તો કોઈ કતાર હશે અને ન તો કોઈ ધક્કા-મુક્કી થશે. આ સિવાય અહીં VEP પાસ બનાવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. ભક્તોને મંદિર સુધી લઈ જવા માટે એસ્કેલેટરનો ઉપયોગ કરવામાં આવશે, જે તેમને સીધા ગર્ભગૃહ સુધી લઈ જશે. તો તેને એટલી ઝડપે ચલાવવામાં આવશે કે ભક્તો 2 મિનિટમાં ગર્ભગૃહમાં પહોંચી જાય અને માતાના દર્શન કરી શકે.મંદિરની ભવ્યતા જોઈને અહીં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. આ માટે અહીં બે માળનું પાર્કિંગ પણ બનાવવામાં આવશે.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે
આ મંદિરની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે 4 લાખ 27 હજાર 716 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. તેમજ આખુ કેમ્પસ 30 લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે. ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર, તે માત્ર એક મંદિર સુધી મર્યાદિત રહેશે નહીં. તેને પ્રવાસન સ્થળની જેમ વિકસાવવામાં આવશે. આ મંદિર રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે અને વૈશ્વિક સ્તરે પણ તેની ઓળખ બનાવશે.