અત્યારના સમયમાં નાના મોટા સૌ કોઈ જાણીએ અજાણીએ ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરતા જોવા મળે છે જે ખૂબ ગંભીર બાબત ગણી શકાય. જોકે ટ્રાફિકના નિયમો વિશે જો બાળકોને પણ અત્યારથી જ સજાગ કરવામાં આવે તો, તે પણ મોટા થઈને વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરી શકે. તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું કેટલી ગંભીર બાબત છે તે પણ તેને સમજી શકે.
જેના માટે નેશનલ રોડ સેફ્ટી 2024 નિમિત્તે TUL ફાઉન્ડેશન અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સહયોગથી પ્લેનેટ ડિસ્કવરી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખાતે “ચલણ ફોર ચેન્જ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને ટ્રાફિક ચલણ બુક દ્વારા તેમના માતા-પિતાને વાલીઓની ડ્રાઇવિંગ વર્તણક ઉપર નજર રાખશે અને એક યુવાન પોલીસ અધિકારી તરીકે પોતાની ભૂમિકા ભજવશે.
ત્રણ દિવસીય તાલીમ સત્રમાં ચારથી સાત વર્ષના 50 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં તેઓને રમત અને ક્વિઝ મારફત રસ્તાના સંકેતો, રસ્તાના નિશાનો, ટ્રાફિકના નિયમો અને તેમના ઉલ્લંઘન વિશે શીખવાડવામાં આવ્યું હતું. સાથે જ દરેક બાળકને એક ચલણ બુક આપવામાં આવી છે. જે આવનારા સાત દિવસ સુધી બાળકો પોતાની સાથે રાખશે તેમજ પોતાના જો માતા પિતા કે વાલીઓ કોઈ ટ્રાફિક નિયમ ભંગ કરશે તો તેને ટ્રાફિક ચલણ આપશે.
જેના થકી તેમના માતા પિતા અને પરિવારો વચ્ચે એક સુરક્ષિત અને જવાબદારી પૂર્વક વાહન ચલાવી શકે તેનો ખ્યાલ રાખશે. આ પ્રવૃત્તિ એક શૈક્ષણિક કવાયત છે જે વર્ગખંડોથી આગળ વધે છે. જે બાળકો અને તેમના પરિવારો પર કાયમી અસર કરે છે અને મોટા પ્રમાણમાં સમાજને પણ લાભ આપે છે. તેમજ બાળકો અને તેમના વાલીઓ વચ્ચે માર્ગ સુરક્ષા પ્રથા વિશે જાગૃતી વધારવાનો ઇરાદો પણ ધરાવે છે.
રમતની પદ્ધતિ દ્વારા રસ્તા પર સુરક્ષિત રહેવા માટે આવશ્યક કૌશલ્ય વિકસાવવામાં અને અન્ય લોકોને તેમ કરવા પ્રભાવિત કરવામાં પણ મદદરૂપ થાય છે. TUL ફાઉન્ડેશન અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સહયોગથી સમગ્ર અમદાવાદની શાળાઓમાં તેની અસરકારક ચલણ ફોર ચેન્જ પહેલને વિસ્તારવા માટે તૈયારીઓ કરી છે. આગામી દિવસોમાં તે મુજબ પ્લાન બનાવવામાં આવશે. માર્ગ સલામતી એમ્બેસેડર તરીકે બાળકોને સામેલ કરી આ કાર્યક્રમ નાની ઉંમરથી જ જવાબદાર ડ્રાઇવિંગની આદતો કેળવી માર્ગ અકસ્માતાને રોકવામાં મુખ્ય ભૂમિકા પણ ભજવશે.