અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો
મૃતક અમિતકુમારની પત્નીની પુછપરછ કરતા તેનું કહેવું છે કે મકાન ભાડે આપવાની ના પાડતા સત્યેન્દ્ર સિંહ અદાવત રાખી અમિતની હત્યા કરી. હત્યાના અનેક કલાકો બાદ પણ હજુ આરોપી પોલીસથી દૂર છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એક હત્યા થઈ છે. હવેલી, રખિયાલ બાદ હવે સાબરમતીમાં હત્યા (murder) નો બનાવ બન્યો છે. એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ હત્યાનો બનાવ બનતાં પોલીસ (Police) પર પ્રશ્નો ઉભા થયા. મકાનના ભાડાને લઈને થયેલ તકરારની અદાવત રાખીને ભાડુઆતે મકાન માલિકની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી.
રેલ્વે સ્ટોરમાં એસ.ઓ તરીકે નોકરી કરતા અમિતકુમાર સત્યાર્થી પરિવાર સાથે ચાંદખેડા ગ્રીન પાર્ક વિભાગ-2 માં આવેલ શ્રવણ મહાવીર સોસાયટીમાં રહે છે. છેલ્લા અઢી માસથી અમિત કુમારે તેમના મિત્ર બાબુસિંગ યાદવની ઓળખણથી સત્યેન્દ્ર સિંહ ઉર્ફે મોનુ યાદવને મકાન ભાડે આપ્યું હતું. જેનું દર મહિને રૂપિયા 3 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. ગઇકાલે બાબુસિંગ યાદવ સત્યેન્દ્ર સિંહના ઘરે આવતા મૃતક અને બંને સાથે સાંજના સમયે જમવા બેઠા હતા. ત્યારે તેઓને મકાનના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી.
બાદમાં બાબુસિંગ યાદવ સત્યેન્દ્ર સિંહને તેઓની સાથે લઈ ગયા હતા. જોકે રાત્રે ઘરે પરત આવ્યા બાદ સત્યેન્દ્ર સિંહ એક બેગ લઈને જતો રહ્યો હતો. બાદમાં લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ તે પરત અમિતકુમારના ઘરે આવ્યો હતો અને તેઓને ઘરની બહાર બોલાવી ચાલતા ચાલતા બંને સોસાયટીની બહાર ગયા હતા. જોકે મૃતક અમિત સત્યેન્દ્ર સિંહ સાથે કોઈ કામથી બહાર ગયા હશે. તે સમજીને તેમના પત્ની અને બાળક સૂઈ ગયા હતા. જ્યારે સવારે પાડોશીએ આવીને મૃતકની પત્નીને જાણ કરી હતી કે સોસાયટીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં અમિત કુમારનો મૃતદેહ પડયો છે.
મૃતક અમિતકુમારની હત્યા ક્રૂરતા પૂર્વક કરવામાં આવી હતી. જેમાં મોઢા અને ગુપ્તાગ ભાગે બોર્થડ પદાર્થથી ગંભીર ઇજાઓ કરી હતી. હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક અમિતકુમારની પત્નીની પુછપરછ કરતા તેનું કહેવું છે કે મકાન ભાડે આપવાની ના પાડતા સત્યેન્દ્ર સિંહ અદાવત રાખી અમિતની હત્યા કરી. હત્યાના અનેક કલાકો બાદ પણ હજુ આરોપી પોલીસથી દૂર છે.
હત્યાના બનાવમાં સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસનો હદનો વિવાદ સર્જાયો હતો અને તેવામાં જ આરોપીને છટકવાનો મોકો મળ્યો હતો. ત્યારે કેટલા સમયમાં હવે આરોપી પકડમાં આવે છે તે જોવાનું રહ્યું. ત્યારે એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ હત્યાના બનાવોથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ હંમેશાં હરિયાળા રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા