G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં અર્બન 20 સમિટ, 8 ફેબ્રુઆરીએ ડેલિગેટ્સનું આગમન, આ રહેશે તેમનો કાર્યક્રમ
Ahmedabad News : 9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા દિવસે સંબોધન કરશે.
અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. એ પછી જુલાઇમાં મેયર્સ સમિટ યોજાશે.જેમાં જી-20 દેશોના વિવિધ શહેરના મેયર ભાગ લેશે. અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીના રોજ યોજાનારા અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠકમાં સામેલ થનારા દેશ-વિદેશના ડેલિગેટ્સનું 8 ફેબ્રુઆરીએ શહેરમાં આગમન થશે. મહેમાનો સિંધુ ભવન રોડ ખાતે આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાણ કરશે.
ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ, અડાલજની વાવ સહિતના સ્થળની મુલાકાત લેશે
અમદાવાદ એરપોર્ટ પર ડેલિગેટ્સનું ગુજરાતની પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. બે દિવસની બેઠકમાં 6 વિવિધ પ્રાથમિકતાઓ પર ચર્ચા વિચારણા ઉપરાંત ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ, અટલ બ્રીજ, અડાલજની વાવ, કાંકરિયા લેક તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. કાંકરિયા ખાતે અર્બન-20ના મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ડેલિગેટ્સ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
PM મોદી બેઠકમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે
9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા દિવસે સંબોધન કરશે. G-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપ અમદાવાદમાં અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. તથા જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સિટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અર્બન-20 ડેલિગેટ્સ ક્યાં ક્યારે જશે?
8 ફેબ્રુઆરી
અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, સ્વાગત. સિંધુ ભવન રોડ સ્થિત તાજ સ્કાયલાઇન ખાતે રોકાણ
9 ફેબ્રુઆરી
– અડાલજની વાવ અને સાબરમતી આશ્રમની મુલાકાત
– અટલ બ્રીજની મુલાકાત. અટલ બ્રીજથી ઇવેન્ટ સેન્ટર સુધીની વોક.
10 ફેબ્રુઆરી
– કાંકરિયા લેકની મુલાકાત અને ગાલા ડિનર
– હેરિટેજ વોક (વૈકલ્પિક)
11 ફેબ્રુઆરી
હોટેલ તાજ સ્કાયલાઇનથી એરપોર્ટ માટે રવાના
દેશમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક
અર્બન-20 એન્ગેજમેન્ટ ગ્રૃપની બેઠક માટે અમદાવાદ યજમાન છે. આ બેઠકનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર્સના કાર્યાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે એ G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપે ઇ-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે.