સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પણ બનશે સ્માર્ટ, એક મેસેજથી થઈ જશે ચાલુ, આ રીતે કરશે કામ
આગામી દિવસોમાં અમદાવાદમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટ કંટ્રોલર સાથે જોડવાનો પ્રયાસ કરાશે. જેથી રાતના સમયે શહેરીજનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને સમયસર મુશ્કેલી દૂર પણ કરી શકાશે.
મેગાસિટી અમદાવાદ (Ahmedabad) શહેર દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઈટો (Street lights) પણ સ્માર્ટ બની જશે. સ્માર્ટ સ્ટ્રીટલાઈટ પ્રોજેકટ હેઠળ શહેરમાં 25 હજાર અને બીઆરટીએસ કોરિડોરમાં 6 હજાર સ્ટ્રીટલાઈટને અપગ્રેડ કરવામાં આવી છે. સ્ટ્રીટલાઈટને ચાલુ કરવા, બંધ કરવા અને ધીમી કરવા માટે કંટ્રોલર (Controller) લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં જનતા પણ કોઈ બંધ રહેલી સ્ટ્રીટ લાઈટની ફરિયાદ સરળતાથી કરી શકશે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘણીવાર સ્ટ્રિટ લાઈટ બંધ રહેવાની અને રાત્રીના સમયે ઘણીવાર રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો મળતી હોય છે, પરંતુ વિચારો કે જો બંધ સ્ટ્રીટ લાઈટ તમારા એક મેસેજ માત્રથી ચાલુ થઈ જાય તો.. હા હવે એ દિવસો દૂર નથી, જ્યારે અમદાવાદીઓ મોબાઈલ એપ્લિકેશન અને વેબપેજ પર જઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ કરશે અને થોડીવારમાં જ લાઈટ ચાલુ કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે.
સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી શરૂ કરી દીધી છે. હાલ શહેરમાં 31 હજાર એલઈડી સ્ટ્રીટ લાઈટમાં રિમોટ કંટ્રોલર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. ફેઝ 2માં અન્ય સ્ટ્રીટ લાઈટમાં કંટ્રોલર સિસ્ટમ લગાવી દેવાશે. નાગરિક સંસ્થા સ્માર્ટ સ્ટ્રીટલાઈટ મેનેજમેન્ટ ડેશબોર્ડ પણ સેટ કરશે. કંટ્રોલર સિસ્ટમ અને ડેશબોર્ડ નાગરિક સંસ્થાના સ્ટ્રીટલાઈટ વિભાગને સ્ટ્રીટલાઈટને દૂરથી નિયંત્રિત કરવા, ચાલુ અને બંધના સમયને તપાસવા અને નિયંત્રિત કરવા તેમજ આસપાસની પરિસ્થિતિઓને આધારે મંદ અથવા પાવર વધારવા માટે સક્ષમ બનાવશે.
ડેશબોર્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલું હશે. એએમસીના ઓફિસર અને લોકો માટે બે મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવશે. મોબાઈલ એપ દ્વારા સ્ટ્રીટ લાઈટનું મોનિટરીંગ થશે. માટે હવે જનતા પણ સ્ટ્રીટ લાઈટને ફરી ચાલુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે.
AMC અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્માર્ટ સિટી પહેલ હેઠળ, સમગ્ર શહેરમાં 25,000 સ્ટ્રીટલાઈટ્સ અને 6,000 BRTS લેનને સ્માર્ટ સ્ટ્રીટલાઇટ તરીકે અપગ્રેડ કરવામાં આવી છે.” અધિકારીએ ઉમેર્યું: “બાહ્ય નિયંત્રક સાથે, લાઇટ ચાલુ અથવા બંધ અથવા મંદ કરી શકાય છે.”
આગામી દિવસોમાં અમદાવાદમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટ કંટ્રોલર સાથે જોડવાનો પ્રયાસ કરાશે. જેથી રાતના સમયે શહેરીજનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને સમયસર મુશ્કેલી દૂર પણ કરી શકાશે.
આ પણ વાંચો- Gujarat માં વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી આ સ્પષ્ટતા